રિપોર્ટ@અમદાવાદ: એકસાથે 500થી વધુ ઝાડા ઉલટીના કેસ સામે આવ્યા

આસપાસની ખાનગી હોસ્પિટલમાં પણ 30થી 40 લોકો દાખલ છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 
રાજ્યમાં ફરી એકવાર રોગચાળો ફાટી નીકળ્યો છે.અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં અને ગોતા વોર્ડમાં આવતા આકાંક્ષા એપાર્ટમેન્ટમાં ઝાડા-ઉલટીના કેસોમાં રાફ્ટો ફાટ્યો છે. એકસાથે 500થી વધુ ઝાડા ઉલટીના કેસો સામે આવતાં લોકોમાં રોષ ફેલાયો છે. સ્થિતિ એવી વણસી છે કે સોસાયટીની બે મહિલાને 108 એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ ખસેડવી પડી છે. સાથે જ આસપાસની ખાનગી હોસ્પિટલમાં પણ 30થી 40 લોકો દાખલ છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનનું પીવાનું પાણી અને ગટરનું પાણી મિક્સ થતા લોકો બીમાર પડ્યા છે. સ્થિતિની ગંભીરતા જોઈ મેયર હિતેશ બારોટ પણ આકાંક્ષા ફ્લેટ દોડી આવ્યા હતા. તેમણે સ્થાનિકો સાથે વાતચીત કરી સમસ્યાનું ઝડપી નિરાકરણ લાવવા માટે આશ્વાસન આપ્યું હતું.

મળતી માહિતી મુજબ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં અને ગોતા વોર્ડમાં આવેલા આકાંક્ષા એપાર્ટમેન્ટમાં શુક્રવારથી પીવાના પાણી મિક્સ થવાના કારણે રોગચાળો ફેલાયો છે. સ્થાનિક સોસાયટીના રહીશોના જણાવ્યા મુજબ અંદાજે 500 લોકો ઝાડા ઉલટીના કારણે બીમાર થયા છે. ચાર દિવસથી લોકો બીમાર છે છતાં પણ કોઈ અધિકારી કે નેતા જોવા માટે આવ્યા નથી અમારે બહારથી પાણીના બાટલા મંગાવીને લાવવા પડે છે.

આકાંક્ષા ફ્લેટના સેક્રેટરી સનદભાઈએ જણાવ્યું હતું કે, હું આખી ઘટનાની શરૂઆત શુક્રવારથી ચાલુ થયેલી છે.શુક્રવારે સોસાયટીમાં રહીશોએ કમ્પ્લેન કરી હતી, સોસાયટી ઓફિસમાં ચેરમેન-સેક્રેટરીને કે પાણીમાં કંઈક ગડબડ છે. ચેરમેન-સેક્રેટરી પાણી ચેકિંગ કરવા માટે ગયા અને વાત સાચી નીકળી કે ગટરનું પાણી મિક્સ થયેલું છે. તાત્કાલિક ચેરમેન-સેક્રેટરીએ પાણી પુરવઠા વિભાગમાં જાણ કરી. પાણી પુરવઠા વિભાગવાળાએ કીધું કે પાણી બધું ઓલરાઇટ છે, કોઈ કમ્પ્લેન નથી; આ શનિવાર સવારની વાત છે. શનિવાર સવારની વાત અમને જાણ કરવામાં આવી કે બધું ઓલરાઇટ છે. શનિવારે બપોરે અમે AMCને જાણ કરી, AMC એ કીધું કે બધું ઓલરાઇટ છે, ક્યાંય કમ્પ્લેન નથી. રાત દરમિયાન અમને ખ્યાલ પડ્યો કે જનતાનગર પાસે કોઈ ભંગાણ પડેલું છે અને ત્યાં આગળ પાણી મિક્સિંગ થયેલું છે. નર્મદાનું પાણી અને ગટરનું પાણી. તેની જાણ કરવામાં આવે છે.