રિપોર્ટ@અમદાવાદ: શંકાસ્પદ ખીરું-ઢોસા કેસમાં બાળકીઓના મોતનું રહસ્ય FSL રિપોર્ટમાં ખુલશે, જાણો વધુ વિગતે

બંને નિવેદનમાં ખીરું ખરાબ હોવાનું એક જ રટણ કરી રહ્યા છે. 
 
અટલ સમાચાર ડોટ કોમ,w

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમદાવાદ શહેરના ચાંદખેડામાં 2 બાળકીના શંકાસ્પદ મોત મામલે પોલીસ તપાસ કરી રહી છે.બાળકીઓ માતા પિતાની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી રહી છે. પરંતુ બંનેના એક સરખા જ નિવેદનથી પોલીસ પણ ગોથે ચડી છે. બંને નિવેદનમાં ખીરું ખરાબ હોવાનું એક જ રટણ કરી રહ્યા છે. જેથી પોલીસની તપાસ હવે FSLના રિપોર્ટ પર અટકી છે. FSLનો રિપોર્ટ આવ્યા બાદ શંકાસ્પદ બે બાળકીના મોતનું રહસ્ય ખુલી શકે છે.

ચાંદખેડામાં ઢોસાના શંકાસ્પદ ખીરુંથી 2 બાળકીના મોતનો આક્ષેપ હતો. જે મામલે ચાંદખેડા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. બાળકીના માતા પિતા કે.ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતાં. જેમાં બંનેને હોસ્પિટલમાંથી રજા અપાતા બંનેની પોલીસે લાંબા સમય સુધી પૂછપરછ કરી હતી. આ ઉપરાંત ડેરીના માલિક, બાળકીના દાદા-દાદી, કાકા અને ફોઈ સહિતના સંબંધીઓની પૂછપરછ પણ કરવામાં આવી હતી.

બાળકીના માતા પિતાની પૂછપરછમાં બંનેના નિવેદન શરૂઆતથી જ એક સરખા રહ્યાં છે. બાળકીના પિતા શરૂઆતથી જ ખીરું ખરાબ હોવાનું રટણ કરી રહ્યા છે. જ્યારે બાળકીની માતા પણ ખીરું ખરાબ હોવાનું કારણ જણાવી રહી છે.

બાળકીની માતાને ડાયરીમાં પુત્ર અંગેનું પૂછતા જણાવ્યું હતું કે, એક દીકરી હતી એટલે તેમને બીજો દીકરો આવે તેવી ઈચ્છા હતી.

અત્યાર સુધી નિવેદનમાં કઈ ખાસ માહિતી ન મળતા પોલીસ FSLના રિપોર્ટની રાહ જોઈ રહી છે. FSLનો રિપોર્ટ આવ્યા બાદ બંને બાળકીના મોતનું કારણ સ્પષ્ટ થશે. બાળકીઓના મોતનું કારણ ઝેર આપવાથી કે અન્ય હશે તો તે કોને આપ્યું તે જાણવા પોલીસ બાળકીના માતા પિતા અને દાદા દાદીનું લાઇ ડિટેક્ટર ટેસ્ટ પણ કરાવી શકે છે.