રિપોર્ટ@અમદાવાદ: હોટલ હિલ્લોક પાસે ડિવાઈડર કટ ખોલાવવા લોકો ફરી રસ્તે ઉતર્યા, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદના એસપી રિંગ રોડ પર હોટલ હિલ્લોક પાસે ડિવાઈડર કટ બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે લોકોને ત્રણ કિમી સુધી ફરીને જવું પડી રહ્યું છે, ત્યારે આ ડિવાઈડર કટ ખોલાવવાની માગ સાથે ન્યુ ત્રાગડ અને ચાંદખેડાના સ્થાનિકો ફરી એકવાર રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. સ્થાનિકો દ્વારા બંને તરફનો રોડ બ્લોક કરી વિરોધ નોંધાવતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.
ઝુંડાલ સર્કલથી વૈષ્ણોદેવી તરફના બંને સાઇડનો રોડ બ્લોક થતાં અંદાજે બે કલાક સુધી બેથી ત્રણ કિમીના ટ્રાફિક જામમાં વાહનચાલકો ફસાયા હતા. જોકે, છેલ્લા કેટલાય સમયથી આ ડિવાઈડર કટ ખોલવા માટે સ્થાનિકો દ્વારા માગ કરવામાં આવી રહી છે. પરંતુ ઔડા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને લોકો ફરી રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા.
સ્થાનિકો દ્વારા રોડ બ્લોક કરી દેવાતા એમ્બ્યુલન્સ સહિતના અનેક વાહનો ટ્રાફિક જામમાં ફસાયા હતા. જોકે, ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી, પરંતુ ઝુંડાલથી વૈષ્ણોદેવી તરફ રોડ ખોલાવી શકી નથી. પોલીસના માણસો રોડની સાઈડમાં પણ ઊભા જોવા મળ્યા હતા. જોકે, બાદમાં પોલીસ દ્વારા લોકોને દંડા બતાવી રોડ ઉપરથી દૂર કરાયા હતા અને ટ્રાફિક જામ ક્લિયર કરાવ્યો હતો.
ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.એમ આહીરે જણાવ્યું હતું કે, હોટેલ હિલ્લોક પાસેનો ડિવાઈડરનો કટ ખોલાવવા માટે લોકોના ટોળા રોડ ઉપર ભેગા થયા હતા અને રોડ બંધ કરાવી દીધો હતો. સ્થાનિક ચાંદખેડા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ટ્રાફિક પોલીસ સાથે મળી ટ્રાફિકને પૂર્વવત કરાવવામાં આવ્યો હતો.
ડિવાઇડર કટ ખોલવો એ ટ્રાફિક પોલીસનો વિષય છે. રોડની હદ ચાંદખેડા પોલીસ સ્ટેશનની આવતી હોવાના કારણે પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. રોડ પર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને ટ્રાફિક દૂર કરાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, એસપી રિંગ રોડ પર નાના ગરનાળામાંથી લોકો ટુ વ્હીલર લઈને પસાર થઈ શકે તે પ્રમાણે ઔડા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ ફોર વ્હીલર ચાલકોને ફરજિયાત ઝુંડાલ સુધી સર્કલ ફરીને બીજી સાઈડ આવવું પડે છે. જેના કારણે સ્થાનિકો દ્વારા ફરી રોડ ઉપર ઉતરી વિરોધ કરવામાં આવ્યો હતો.

