રિપોર્ટ@અમદાવાદ: પૂરઝડપે દોડતી કાર પર લટકીને PIએ લૂંટારુઓને દબોચ્યા, જાણો સમગ્ર ઘટના વિશે

રેલવે સ્ટેશન પર રૂ. 3.70 કરોડના સોનાના દાગીનાની લૂંટ
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ફરી એકવાર ચોરીની ઘટના સામે આવી છે.નડિયાદ રેલવે સ્ટેશન પર બુલિયન કંપનીના કર્મચારી પાસેથી થયેલી રૂ. 3.70 કરોડના દાગીનાની લૂંટનો ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલી નાખવામાં આવ્યો છે. નડિયાદમાં લૂંટને અંજામ આપી ફરાર થયેલા લૂંટારુ વિરમગામ નજીકથી પસાર થવાના હોય વિરમગામ પોલીસે દિલધડક ઓપરેશન હાથ ધરી ચારેયને દબોચી લીધા. પૂરઝડપે દોડી રહેલી લૂંટારુની ચાલુ કાર પર PI ગઢવી લટકી ગયા. આરોપીઓના કબજામાં લૂંટમાં ગયેલા 2 કિલો 700 ગ્રામ સોનાના દાગીના કબજે કરવામાં આવ્યા છે.

કોલકાતાની ગ્રો મોર નામની બુલિયન કંપનીના કર્મચારી ભરતભાઈ ચૌધરી હાવડા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં 2.70 કિલો સોનાના દાગીના ભરેલી બેગ લઈને આવી રહ્યા હતા.નડિયાદથીબસ મારફતે ભરતભાઈ મણિનગર અમદાવાદ આવવાના હતા.રેલવે ફૂટ ઓવર બ્રિજ પર ભરતભાઈ પહોચતા ચાર શખ્સોએ આવીને તેમને ધક્કો મારીને દાગીના ભરેલો થેલો ઝૂંટવી ત્યાંથી નાસી ગયા.ભરતભાઈ પણ આરોપીની પાછળ દોડીને ગયા હતા.આ દરમિયાન આરોપીઓ રેલવે સ્ટેશનથી એક ટિયાગો ગાડીમાં બેસીને ત્યાંથી નાસી ગયા હતા જે ગાડીનો ફોટો ભરતભાઈએ પાડી લીધો હતો.

બનાવ અંગે રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી જેમાં એક આરોપી સાવન ચૌધરી હતો જે અગાઉ ગ્રો મોર બુલિયન કંપનીમાં જ નોકરી કરતો હતો. જેને ભરતભાઈ ઓળખતા હતા જેથી પોલીસને ગાડીનો નંબર અને સાવન અંગે જાણ કરી હતી.રેલવે પોલીસે ગાડીનો નંબર અને સાવનનો નંબર સ્ટેટ કંટ્રોલ રૂમમાં મોકલી આપ્યો હતો.આરોપીઓ બનાસકાંઠા જાય તેવી શંકાના આધારે નડિયાદથી બનાસકાંઠા રૂટની પોલીસને એલર્ટ કરવામાં આવી હતી.અમદાવાદ ગ્રામ્ય પોલીસ પણ એલર્ટ પર હતી.આરોપીઓ સાણંદ નળસરોવર રૂટથી વિરમગામ થઈ બનાસકાંઠા જવાના હોવાની પોલીસને માહિતી મળી હતી.

ગ્રામ્યના અલગ અલગ પોલીસની ટીમ દ્વારા બનાસકાંઠા જતા રસ્તે બેરિકેટ મૂકીને બ્લોક કરવામાં આવ્યા હતા.આ વિરમગામ પોલીસે ખોરજ પાસેથી ટિયાગો ગાડી સાથે જતી એક નંબર પ્લેટ વિનાની બલેનો ગાડી રોકી હતી જેમાંથી સાવન ચૌધરી મળી આવ્યો હતો.સાવનની પૂછપરછ કરતા લૂંટનો મુદ્દામાલ અને બાકીના ત્રણ આરોપીઓ ટિયાગો ગાડીમાં હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે સાવનની મદદથી ટિયાગો ગાડીનું લોકેશન જાણ્યું હતું.ટિયાગો ગાડી પંચમુખી નીલકી ગામ તરફ જઈ રહી હોવાની માહિતી મળતા પીઆઇ એસ.એ ગઢવી તેમની ટીમ સાથે પહોચ્યા હતા.પોલીસની ગાડી વડે ટિયાગો ગાડીને ટક્કર મારવામાં આવી હતી.જે બાદ ટિયાગો ગાડીના ગેટ પર પીઆઇ ગઢવી લટકી ગયા હતા ત્યારે આરોપીઓએ ગાડી પૂરઝડપે ભગાવી હતી છતાં પીઆઇ 70ની સ્પીડ પર 500 મીટર સુધી દરવાજે લટકી રહ્યા હતા.પીઆઇએ ટિયાગો ગાડીનું હેંડ બ્રેક ખેંચીને ચાવી કાઢી લીધી હતી.ગાડી બંધ થતા બાકીના ત્રણેય આરોપીઓ આકાશ પ્રજાપતિ,કિરણ ચૌધરી અને દશરથ પ્રજાપતિને ઝડપી લેવામાં આવ્યા હતા.

આરોપીને ઝડપીને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે સાવન અગાઉ બુલિયન કંપનીમાં કામ કરતો હતો જેથી તે બુલિયનની તમામ કામગીરીથી વાકેફ હતો.કેટલા વાગે,કઈ જગ્યાએથી ,કેવી રીતે સોનુ લાવવામાં આવે છે તે જાણતો હતો જેથી તેને તેના મિત્રો સાથે મળીને ચાર મહિના અગાઉ લૂંટનો પ્લાન બનાવ્યો હતો.સાવન હાલમાં દિયોદર ખાતે પાનનો ગલ્લો ચલાવે છે.પકડાયેલા તમામ આરોપીઓની ઉમર 18 થી 23 વર્ષની છે.પોલીસે આરોપીને નડિયાદ રેલવે પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.

આ સમગ્ર ઓપરેશન 3 કલાક જેટલો સમય ચાલ્યું હતું જેમાં વિરમગામ ASP માનસી મીણા સુપરવિઝન કરી રહ્યા હતા જેમાં LCB પીઆઇ આર.એન કરમટીયા,પીઆઇ એસ.એસ ગઢવી,પીઆઇ પી.ડી જાની અને PSI આર. જે ચોટલીયા અને તેમની.ટીમ હાજર હતી.