રિપોર્ટ@અમદાવાદ: પોલીસ કોન્સ્ટેબલ પતિના ત્રાસથી મહિલાએ આપઘાત કર્યો, જાણો સમગ્ર ઘટના
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદમાંથી ફરી એકવાર આત્મહત્યાની ઘટના સામે આવી છે. અમદાવાદના વાસણા વિસ્તારમાં સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલની પત્નીએ પતિના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. પતિ અવારનવાર ઝઘડા કરી મારઝુડ કરતો હતો. તેમજ પુત્રની બીમારીનો રિપોર્ટ સારો ન આવતાં પતિએ પત્નીને ઉંઘની ગોળીઓ આપી સૂવડાવી હતી.
14 એપ્રિલે પતિ સાથે ઝઘડો થતાં વીડિયો વોટ્સએપ સ્ટેટ્સમાં મૂક્યો હતો. આ અંગે મૃતકના ભાઈએ પોલીસ કોન્સ્ટેબલ સામે વાસણા પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી.
મૂળ રાજસ્થાનના 35 વર્ષીય ગીતાબેનના લગ્ન 2013માં પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ પુરોહિત સાથે થયા હતા. 15 એપ્રિલે અર્જુનસિંહે તેના સાળાને ફોન કરીને જણાવ્યું હતું કે, દીકરાનો મેડિકલ રિપોર્ટ સારો ન આવતા ગીતા પરેશાન છે અને તે ઉંઘની ગોળીઓ લઈને સૂઈ ગઈ છે. જોકે, વીડિયો કોલમાં ગીતાબેન અર્ધબેભાન જણાતા ભાઈ તાત્કાલિક ઘરે નીકળ્યા હતા. આ દરમિયાન જેઠે ગીતાબેને આત્મહત્યા કરી હોવાની જાણ કરી હતી.
ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારના સભ્યો દોડી આવ્યા હતા અને લાશની વીડિયોગ્રાફી સાથે પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. આ દરમિયાન અર્જૂનસિંહના ભત્રીજાએ બનાવના દિવસે સવારે કાકા-કાકીનો ઝઘડો થયાની માહિતી મૃતકના ભાઈને આપી હતી. મૃતકના ઘરમાં તપાસમાં એક ચીઠ્ઠી મળી હતી જેમાં લખ્યું હતું કે, ભાઈને બોલા થા બચ્ચોં કે સામને દેખ લે... અબ બચ્ચે ભી ધોખા દે રહે હૈ. મૈં ઉનકા દુ:ખ નહીં દેખ પા રહી હું. પાગલ હો ગઈ હું.
મૃતક મહિલાને અગાઉ પણ પતિ સાથે અનેક વાર ઝઘડા થયા હોવાથી બે-ત્રણ વખત પિયર ગઈ હતી. 14 એપ્રિલે ઝઘડો થતાં વીડિયો વોટ્સએપ સ્ટેટ્સમાં મૂક્યો હતો. પતિના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાના આક્ષેપ સાથે મૃતકના ભાઈએ અર્જુનસિંહ પુરોહિત સામે વાસણા પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. મૃતકના ભાઈ નથુસિંહ રાજપુરોહિતે જણાવ્યું હતું કે, અમે ઉચ્ચ અધિકારીઓને પુરાવા સાથે મળીશું. અમને વિશ્વાસ છે કે અમને ન્યાય મળશે.

