રિપોર્ટ@અમદાવાદ: ચોરી અને લૂંટની ઘટનાઓ અટકાવવા માટે પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો

જ્વેલર્સ એસોસિયેશન-આંગડિયા પેઢીના સંચાલકો સાથે પોલીસની બેઠક
 
રિપોર્ટ@અમદાવાદ: ચોરી અને લૂંટની ઘટનાઓ અટકાવવા માટે પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ટૂંક સમયમાં દિવાળીનો તહેવાર  આવી રહ્યો છે. દિવાળીનો ફાયદો ઉઠાવવા તસ્કરો સક્રિય થતા હોય છે. પોલીસે આંગડિયા પેઢી અને જ્વેલર્સ શો રૂમમાં કોઈ ઘટના ન બને તે માટેની તૈયારી શરૂ કરી છે. પોલીસે આંગડિયા પેઢીના સંચાલકો અને જ્વેલર્સ એસોસિયેશન સાથે બેઠક કરી છે. જેમા કેટલાક સૂચનો આપ્યા છે તથા તેમની પાસેથી પણ સૂચનો લીધા છે જેનું પાલન કરવામાં આવશે તો ચોરી અને લૂંટ જેવી ઘટના અટકાવી શકાશે.

ઝોન 5 ડીસીપી જીતેન્દ્ર અગ્રવાલે ઝોન 5 હેઠળના તમામ પોલીસ સ્ટેશનના જ્વેલર્સ એસોસિયેશન અને આંગડિયા પેઢીના સંચાલકો સાથે બેઠક કરી છે. બેઠકમાં શું કરવું અને શું ન કરવું તેની ચર્ચા કરી છે. આ ઉપરાંત તેમની પાસેથી પણ સૂચનો માંગ્યા હતા જેનો પણ અમલ શરૂ કરી દીધો છે. પોલીસે એકશન પ્લાન પણ એસોસિયેશનને સમજાવ્યો છે જેનું પાલન કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

જૂના આરોપીનું રોજે રોજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સવારના સમયે જ્યારે આંગડિયાની કેશની હેરફેર વધારે હોય ત્યારે તે વિસ્તારમાં પોલીસનું સતત પેટ્રોલિંગ રહેશે. આંગડિયા પેઢીના કર્મચારીઓના ફોનનું લોકેશન પેઢીના માલિક પાસે હશે. કેશ લઈ જવા કે લાવવામાં આવે અને સોનાના દાગીનાની હેરફેર થાય ત્યારે GPSનો ઉપયોગ કરવામાં આવશે.

નવા કર્મચારીઓને વધારે રકમ કે દાગીનાની જવાબદારી ન આપવી. નવા કર્મચારીના આઇડી પ્રૂફ મેળવી તેની ખરાઈ કરવી. અંદરના વ્યક્તિ સિવાય બહારના વ્યક્તિઓ સામે પૈસા કે દાગીના બાબતે ચર્ચા ન કરવી. પેઢી કે શો રૂમની બહારના સીસીટીવી વર્કિંગ હાલતમાં રાખવા. બહારના મુખ્ય કેમેરાની ફીડ સ્થાનિક પોલીસને મળે તેવી વ્યવસ્થા કરવી.

કોઈ પણ બનાવમાં 100, 112 નંબર ડાયલ કરવા ઉપરાંત સ્થાનિક પીઆઇનો સંપર્ક કરવો. દુકાનમાં વારંવાર કામ વિના આવતા શંકાસ્પદ વ્યક્તિઓ અંગે પોલીસને જાણ કરવી. અગાઉ જેને પૈસાની જરૂરિયાત હોય અને માંગ્યા હોય છતાં ન આપ્યા હોય તેના પર ધ્યાન રાખવું.

ડિવિઝન એસીપી કૃણાલ દેસાઈએ જણાવ્યું હતું કે પોલીસે મિટિંગ દરમિયાન જે સૂચનો આપ્યા છે તેનું યોગ્ય રીતે પાલન કરવામાં આવશે તો મોટી ઘટના બનતી અટકાવી શકાશે અથવા ઘટના બન્યા બાદ પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકશે. કોઈ પણ ઘટનામાં પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવે તથા જરૂર જણાય ત્યારે પોલીસની મદદ લેવામાં આવે તેવી અમે લોકોને અપીલ કરીએ છીએ.