રિપોર્ટ@અમદાવાદ: શેર બજારમાં નફાની લાલચમાં વિદ્યાર્થીએ 1 લાખ ગુમાવ્યાં, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
શેરબજારમાં મોટા નફાની લાલચ આપીને વિદ્યાર્થીઓને નિશાન બનાવતા ગઠિયાઓ હોય કે ઓળખાણના નામે ઇમરજન્સી કહી પૈસા માંગતા ઠગ નવા નવા ઉપાયો દ્વારા લોકોને શિકાર બનાવી રહ્યા છે. દાણીલીમડા અને કાગડાપીઠ વિસ્તારમાં બે અલગ-અલગ ઠગાઈની ઘટનાઓ સામે આવી છે. જેમાં દાણીલીમડામાં શેર બજારમાં રોકાણથી નફાની લાલચ આપી વિદ્યાર્થી પાસેથી 1.27 લાખ પડાવ્યા છે. તો કાગડાપીઠમાં પડોશીના નામે ગઠિયાએ વૃદ્ધ વેપારીને ફોન કરીને ઇમરજન્સી હોવાનું કહી 25 હજાર પડાવ્યા હતા. બંને ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દાણીલીમડા વિસ્તારમાં રહેતા એક વિદ્યાર્થીને શેરબજારમાં રોકાણ કરાવવાના બહાને ગઠિયાઓએ લાખો રૂપિયાના નફાની લાલચ આપી 1.27 લાખની ઠગાઈ આચરી છે. દાણીલીમડામાં રહેતા અને અભ્યાસ કરતા મયંક પિત્રોડાને 9 માર્ચના રોજ અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. મેસેજ કરનાર વ્યક્તિએ પોતાનું નામ જય પટેલ જણાવ્યું હતું અને શેરબજારમાં રોકાણ કરવાથી સારો નફો કરાવી આપવાનો વિશ્વાસ અપાવ્યો હતો. સાયબર ગઠિયાએ મયંકને જણાવ્યું હતું કે, તેના જાણીતા બ્રોકર ટ્રેડિંગ કરાવીને વધુ નફો કરાવી આપશે, જેમાંથી માત્ર 20 ટકા કમિશન આપવું પડશે.
જે બાદ વિશ્વાસમાં લઈ ગઠિયાએ મયંકને બીજા એક નંબર પર સંપર્ક કરવા કહ્યું હતું. તે બાદ રાજુ નામનો બ્રોકર ગણાવતા વ્યક્તિએ એક સોફ્ટવેરમાં રજીસ્ટ્રેશન કરાવી ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવડાવ્યું હતું. શરૂઆતમાં થોડું રોકાણ કરાવતા મયંકને નફો બતાવવામાં આવ્યો હતો, જેથી તેનો વિશ્વાસ વધ્યો હતો. મયંકે કુલ 1.27 લાખનું રોકાણ કર્યું હતું. થોડા સમય પછી ગઠિયાઓએ મયંકને સ્ક્રીનશોટ મોકલી જણાવ્યું હતું કે, તેના ખાતામાં 9.25 લાખનો નફો થયો છે. પરંતુ જ્યારે મયંકે નફો પોતાના ખાતામાં ટ્રાન્સફર કરવા કહ્યું ત્યારે ગઠિયાઓ બહાના કરવા લાગ્યા. થોડા સમય બાદ તેમના ફોન પણ બંધ આવવા લાગ્યા, જેથી ફરિયાદીએ અજાણ્યા શખ્સો સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મેમનગર વિસ્તારમાં રહેતા 73 વર્ષીય જગજીતરાય બગ્ગા માર્કેટમાં ઓફિસ ધરાવી વેપાર કરે છે. 15 ફેબ્રુઆરીના અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતાને તેમના પાડોશી હેમંતભાઈ હોવાનું જણાવ્યું હતું. ગઠિયાએ ઇમરજન્સી હોવાનું કહી 25 હજારની જરૂર હોવાનું જણાવ્યું અને બીજા દિવસે પરત આપી દેવાની ખાતરી આપી હતી. ઓળખાણના વિશ્વાસે જગજીતરાય બગ્ગાએ આપેલા નંબર પર 25 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધા હતા. પડોશી જ્યારે ઘરે પરત આવ્યા ત્યારે પૈસા વિશે પૂછતા પાડોશીએ એવો કોઈ ફોન ન કર્યો હોવાનું જણાવ્યું હતું. જેથી ફરિયાદીને ફ્રોડ થયું હોવાનું સામે આવતા કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

