રિપોર્ટ@અમદાવાદઃ માંડલ અને સાણંદ પંથકમાંથી અજાણ્યા પુરુષનો કોહવાયેલો મૃતદેહ મળ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ જિલ્લાના માંડલ અને સાણંદ પંથકમાં બે અલગ-અલગ કરુણ બનાવ સામે આવતા ચકચાર મચી છે. માંડલમાં સીમ ખેતરમાંથી 30થી 35 વર્ષના અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે સાણંદ નજીક રેલવે ટ્રેક પર ટ્રેનની ટક્કરે અજાણ્યા વ્યક્તિનું મોત થયું હતું. બંને બનાવમાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ હાથ ધરી છે.
માંડલ-દસાડા રોડ પર ત્રણ રસ્તાથી આશરે 3 કિલોમીટર દૂર સીમ ખેતરમાંથી એક અજાણ્યા પુરુષનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતકની ઉંમર આશરે 30થી 35 વર્ષ હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતાં માંડલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી તપાસ શરૂ કરી હતી.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. મોતનું ચોક્કસ કારણ જાણવા તેમજ મૃતકની ઓળખ મેળવવા માટે માંડલ પોલીસે તપાસ શરૂ કરી છે. મૃતક કયા સંજોગોમાં ખેતરમાં પહોંચ્યો અને તેનું મોત કેવી રીતે થયું તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
બીજી તરફ સાણંદ નજીક રેલવે ટ્રેક પર ટ્રેનની ટક્કર લાગતા એક અજાણ્યા વ્યક્તિનું કરુણ મોત થયું હતું. બનાવની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.
સાણંદના બનાવમાં પણ મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. પોલીસે મૃતકની ઓળખ મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. બંને બનાવ અંગે પોલીસની તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ તથા સમગ્ર હકીકત સ્પષ્ટ થશે.

