રિપોર્ટ@અમદાવાદ: પત્નીના ભાઈઓએ માર મારીને બનેવીને પાંચમા માળેથી નીચે ફેંકી દીધો, યુવકનું ઘટનાસ્થળે મોત

પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી હતી.
 
રિપોર્ટ@અમદાવાદ: પત્નીના ભાઈઓએ માર મારીને બનેવીને પાંચમા માળેથી નીચે ફેંકી દીધો, યુવકનું ઘટનાસ્થળે મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

એક પારિવારિક ઝઘડાએ હત્યાનું સ્વરૂપ લીધું છે. પત્નીના ભાઈઓએ માર મારીને બનેવીને પાંચમા માળેથી નીચે ફેંકી દેતા તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. મૃતકના પિતાએ આક્ષેપ કર્યો છે કે, બોલાચાલી બાદ યુવકને ઉપરથી ફેંકી દીધો હતો. હત્યાના આક્ષેપ મામલે પોલીસે આરોપીઓની અટકાયત કરીને ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ વાડજ વિસ્તારમાં આવેલા રામાપીરના ટેકરા ખાતે આવેલા સેક્ટર-3માં ભાવેશભાઈ મકવાણારહેતાં હતા. ભાવેશભાઈ રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા. આ દરમિયાન તેમનો તેમની પત્ની સાથે પણ બનાવ બન્યો હતો. 23 ઓક્ટોબરના રોજ રાત્રિના સમયે જ્યારે ભાવેશભાઈ તેમના ઘરે હાજર હતા. ત્યારે તેમની પત્નીના ભાઈઓ આવ્યા હતા. અને ઝઘડા બાબતે ભાવેશભાઈની સાથે મારામારી કરવા લાગ્યા હતા. બોલાચાલી અને મારામારી બાદ ભાવેશભાઈને પાંચમાં માળેથી નીચે ફેંકી દેવામાં આવ્યા હતા. જેથી તેઓનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું હતું. આ મામલે વાડજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી હતી.

મૃતક ભાવેશભાઈના પિતા બળદેવભાઈએ જણાવ્યું હતું કે, તેની પત્નીએ પગારમાંથી અમને એક રૂપિયો આપ્યો નથી અને કોને પૈસા આપે એ અમને ખબર નથી. ગઈકાલે ભાવેશના પત્નીના પરિવારજનો આવ્યા હતા. અમે તેમને બેસીને વાત કરવા માટે કહ્યું હતું, પરંતુ બોલાચાલી કરીને સીધો ભાવેશને ઉપરથી નીચે ફેંકી દીધો હતો.

વાડજ પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એન.ડાંગરે જણાવ્યું હતું કે, વાડજ રામાપીરના ટેકરાના સેક્ટર-3માં પારિવારિક ઝઘડામાં યુવકને માર મારવામાં આવ્યો અને ઉપરથી નીચે ફેંકી દેવાનો આક્ષેપ કરાયો છે. હાલ યુવકની હત્યા મામલે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.