રિપોર્ટ@અમદાવાદ: હોટલમાંથી યુવક-યુવતીની ગળેફાંસો ખાઘેલી હાલતમાં મૃતદેહ મળ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ શહેરમાંથી હદય કંપાવતી ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલી હોટલ કુમકુમના રૂમમાંથી એક યુવક અને યુવતીની ગળેફાંસો ખાઘેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી છે. બંને મૃતકો મૂળ સંતરામપુરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. યુવતી અમદાવાદમાં નર્સિંગનો અભ્યાસ કરતી હતી. આપઘાત પાછળ પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલી કુમકુમ હોટેલમાં એક યુવક અને યુવતી રોકાયા હતા.હોટેલના સ્ટાફે રૂમનો દરવાજો ખખડાવતા લાંબા સમય સુધી દરવાજો ખુલ્યો નહતો જે બાદ હોટેલના મેનેજરને જાણ કરતા રૂમનો દરવાજો ખોલવામાં આવ્યો હતો.હોટેલના રૂમમાં યુવક યુવતી ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા.હોટેલના સ્ટાફ દ્વારા તરત જ ચાંદખેડા પોલીસને જાણ કરવામાં આવી હતી.
ચાંદખેડા પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી.પોલીસ તપાસમાં યુવકનું નામ પટેલીયા જયદીપ અને યુવતીનું નામ ડામોર નીતા હોવાનું સામે આવ્યું હતું.બંને સંતરામપુરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.મૃતક પાસેથી કોઈ સ્યુસાઇડ નોટ મળી આવી નથી.મૃતક યુવતી અમદાવાદમાં રહીને નર્સિંગનો અભ્યાસ કરતી હતી.પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

