રિપોર્ટ@અમદાવાદ: પિત્ઝામાંથી ખીલી નીકળી હોવાની ઘટના સામે આવી

એક પિત્ઝા શોપમાં એક ગ્રાહકને કડવો અનુભવ થયો છે.
 
રિપોર્ટ@અમદાવાદ: પિત્ઝામાંથી ખીલી નીકળી હોવાની ઘટના સામે આવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી એક પિત્ઝા શોપમાં એક ગ્રાહકને કડવો અનુભવ થયો છે. પાપા લુઈસ પિત્ઝા શોપના પિત્ઝામાંથી ખીલી નીકળી હોવાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ અન્ય લોકો સાથે પિત્ઝા ખાવા માટે નિકોલ વિસ્તારમાં આવેલી પાપા લુઈસ નામની પિત્ઝા શોપમાં ગયા હતા. તેઓએ પિત્ઝાનો ઓર્ડર આપ્યો હતો. ત્યાર બાદ ડ્રિંક્સ અને પિત્ઝા સર્વ થવાની શરૂઆત થઈ હતી. જેમાં બીજો કોર્ન પિત્ઝા આવ્યો હતો. જે ખાતાની સાથે જ તેમના મોઢામાં કંઈક મજબૂત વસ્તુ વાગી તેવું લાગ્યું હતું. જેથી તેઓએ જ્યારે મોઢામાંથી બહાર કાઢીને જોયું તો પિત્ઝાના કોર્નમાં ખીલી હોવાનું સામે આવ્યું હતું. ખીલી નીકળી હોવાથી તેઓએ આ મામલે તાત્કાલિક શોપના જવાબદાર વ્યક્તિને ત્યાં બોલાવ્યા હતા.

પાપા લુઈસ પિત્ઝાના જવાબદાર વ્યક્તિને બોલાવી અને આ ખૂબ જ ગંભીર બાબત કહેવાય અને જો આ ખીલી શરીરમાં જતી રહી હોત તો કેટલું મોટું આરોગ્યને નુકસાન થયા તેમ કહ્યું હતું. શોપના જવાબદાર વ્યક્તિએ પણ ભૂલ થઈ ગઈ તેવું સ્વીકાર્યું હતું અને ત્યાર બાદ આવી ઘટના હવે નહીં બને અને અમે ધ્યાન રાખીએ છીએ, પરંતુ કોઈ કારણોસર ઉપરથી આ ખીલી પડી ગઈ હોય તેવું લાગે છે. જેથી ગ્રાહકે કહ્યું હતું કે, તમારા રસોડામાં તમે કેવી રીતે ધ્યાન રાખો છો કે આ ત્યાંથી આવી ગયું. આ રીતે હોટલના જવાબદાર વ્યક્તિ પાસે જવાબ માગ્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે આ મામલે ફરિયાદ મળતાની સાથે જ તેઓ દ્વારા તાત્કાલિક ધોરણે નિકોલના પાપા લુઈસ પિત્ઝા ખાતે તપાસ માટે ટીમ મોકલી આપી હતી. ફૂડ વિભાગ દ્વારા ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હોવાનું હાલ પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.