રિપોર્ટ@અમદાવાદ: કામના કલાક 8થી વધારી 12 કરવા સામે બાંયો ચઢાવી, મજદૂર સંઘની કઇ કઇ માંગણીઓ છે?

સરકારને અનેક રજૂઆત કર્યા છતાં નિર્ણય ન લેવાતા વિરોધ પ્રદર્શન
 
રિપોર્ટ@અમદાવાદ: કામના કલાક 8થી વધારી 12 કરવા સામે બાંયો ચઢાવી, મજદૂર સંઘની કઇ કઇ માંગણીઓ છે?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દત્તોપંત ઠેંગડીજીની 106મી જન્મજયંતી નિમિતે રિવરફ્રન્ટ પર મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલા 161 યુનિયનો અને મહાસંઘના કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. દરેક સંગઠન પોતાના પડતર પ્રશ્નોને લઈને મોટી સંખ્યામાં ભેગા થયા છે. આ પડતર માંગણીઓને લઈને મોટી સંખ્યામાં ભેગા થઈને ભારતીય મજદૂર સંઘના કર્મચારીઓ સરકાર સામે દેખાવો કરશે. તમામ યુનિયનો પોતપોતાના સંગઠનો સાથે રિવરફ્રન્ટ પર પહોંચી રહ્યા છે. નાની નાની રેલી સ્વરૂપે પોતાની માંગણીઓને લઈને યુનિયન મહાસંમેલન માટે પહોંચી રહ્યા છે.

જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતના મુદ્દાઓને લઈને જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અનેક વખત ચર્ચા થયા બાદ પણ સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં ના આવતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. તેમજ મહાસંમેલન બાદ યુનિયનના 5-5 સભ્ય મુખ્યમંત્રી સહિત તમામ વિભાગોના મંત્રીઓને આવેદન પત્ર આપશે.

ગુજરાત સરકાર દ્વારા ઉદ્યોગ જગતમાં કામ કરતા કર્મચારીઓ માટે કામના કલાકો 8 કલાકથી વધારીને 12 કલાક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનું યોગ્ય નિરાકરણ લાવવા માટે ચર્ચા-વિચારણા કરી એક સમિતિ બનાવવી. આ સમિતિમાં ભારતીય મજદૂર સંઘનું પ્રતિનિધિત્વને સ્થાન આપવું. આ મુદ્દે ઉદ્યોગોમાંથી આવેલી રજુઆતને ધ્યાને લઈને યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી પણ માંગ કરી છે. જ્યાં સુધી સમિતિનું ગઠન ના થાય ત્યાં સુધી નિર્ણયનો અમલ ના કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.

મજદૂર સંઘની માંગણીઓ  

  • શ્રમિકોના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવું
  • ખાલી પડેલ ALC, DLC, GLO વગેરે તથા ઔદ્યોગિક સલામતી-સ્વાસ્થ્ય વિભાગમાં ખાલી પડેલ તમામ સ્તરના ડાયરેકટરોની જગ્યાઓ અને ઔદ્યોગિક અદાલત તથા ન્યાયપંચમાં ખાલી પડેલ જગ્યાઓ તાત્કાલિક અસરથી ભરવી
  • કોન્ટ્રાકટ પ્રથા સંપૂર્ણ નાબૂદ કરવી અને શરૂઆત સરકારમા વિભાગોથી કરવી
  • કોન્ટ્રાકટ પ્રથામાં કામ કરતા કર્મચારીઓને કોન્ટ્રાકટર દ્વારા પૂરતો પગાર તથા અન્ય ભથ્થાઓ પુરેપુરા ચુકવાતા નથી અને કોન્ટ્રાકટર/માલિકો દ્વારા પગારમાંથી પૈસા જબરજસ્તીથી પરત લઇ લેવામાં આવે છે આવી પ્રથા રોકવા માટે હરિયાણા સરકારે બનાવેલા બોર્ડનો અભ્યાસ કરીને ગુજરાત સરકારે પણ નવા બોર્ડનું ગઠન કરવું.
  • ફિક્સ ટર્મ કર્મચારીઓની મુદત ઘટાડી 1 વર્ષ કરવી અને ત્યારબાદ રેગ્યુલર પગાર ધોરણમાં સમાવેશ કરી તેઓની 1 વર્ષની નોકરી સળંગ ગણવી અને તેના લાભો આપવા.
  • સમગ્ર રાજયમાં ESI યોજનાનો અમલ કરવો
  • સૌરાષ્ટ ક્ષેત્રમાં ભાવનગર ખાતે ESIની પેટા પ્રાદેશિક કચેરી ખોલવી
  • મહેસાણા, હાલોલ અને સાવલી ખાતે ESI દ્વારા સંચાલિત 100 બેડની હોસ્પિટલ ખોલવી
  • સ્કીમ વર્કર માટે અલગથી વેલ્ફેર બોર્ડ બનાવવા માંગ
  • ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવી