રિપોર્ટ@અમદાવાદ: પરિણીતાએ સાસરીયા પક્ષના લોકો સામે માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મહિલાએ સાસરીયા પક્ષના લોકો સામે માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. લગ્નના થોડા સમય બાદ પિયરમાંથી કરિયાવર ના લાવી હોવાનું કહી પતિ સહિત સાસરિયા પક્ષના લોકો માર મારતા હોવાનો પણ મહિલાએ આક્ષેપ કર્યો છે. લોન લઈને ખરીદેલા મકાન પર પતિએ કબજો કરી બે દીકરીઓ સાથે ઘરની બહાર કાઢી મૂકતા મહિલાએ પોલીસ સ્ટેશન જવાની ફરજ પડી છે.
મહિલાએ પતિ સહિત સાસરિયા પક્ષના 5 લોકો સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ચાંદખેડા વિસ્તારમાં રહેતી મહિલાના લગ્ન મનીષ સાથે રીત રિવાજ મુજબ થયા હતા. લગ્નના થોડા સમય બાદ બે દીકરીઓનો પણ જન્મ થયો હતો. જે બાદ અચાનક ઘરમાં વાતાવરણ બદલાઈ ગયું અને લગ્નના થોડા સમય બાદ સાસરિયા પક્ષના લોકો મહિલા સાથે નાની નાની બાબતે ઝઘડો કરવા લાગ્યા હતા. જે બાદ સાસુએ પતિને ઉશ્કેરતા મહિલા સાથે પતિએ મારામારી કરી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. લગ્ન કર્યા ત્યારે પિયરમાંથી કંઇ કરિયાવર ના લેવાનું કહી સાસરિયા પક્ષના લોકો મહિલાને માનસિક ત્રાસ આપતા હતા. સાસરિયા પક્ષના ત્રાસથી કંટાળી મહિલાએ એકલા રહેવાનું નક્કી કર્યું હતું. જેથી મહિલાએ પોતાના દાદી અને પિતા પાસે પૈસા લઈને અને બાકીના રકમની લોન કરાવી એક મકાન લીધું હતું. તેમજ લોનના હપ્તા પણ મહિલા પોતે ભરતી હતી. નવા મકાનમાં સાસરિયા પક્ષના ત્રાસથી કંટાળી મહિલા પોતાના પતિ સાથે અલગ રહેવા માટે જતી રહી હતી. ત્યાં પણ થોડા સમય બાદ સાસરીયા પક્ષના લોકોની અવરજવર શરૂ થઈ જતા ફરી બોલાચાલી શરૂ થઈ ગઈ હતી.
પિયરમાંથી આણુ કેમ લાવી નથી તેવું કહી મકાન સાસુના નામે કરી દેવા દબાણ શરૂ કરવામાં આવ્યું હતું. તેમજ સાસુના નામે ઘર કરાવવા માટે માર પણ મારવામાં આવતો હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો છે. જો કે ઘર તૂટે નહીં તે ડરથી મહિલા આટલા સમયથી માનસિક અને શારીરિક ત્રાસ સહન કરતી હતી. પરંતુ 20 ઓક્ટોબરના મહિલાને માર મારી તેના પતિએ બે દીકરીઓ સાથે ઘરની બહાર કાઢી દીધી હતી. જેથી મહિલા પોતાના પૈસાથી મકાન લીધા બાદ માતા - પિતા સાથે રહેવા માટે મજબૂર બની છે.જેના કારણે મહિલાએ આખરે કંટાળીને પતિએ પોતાના ખરીદેલા મકાન પણ કબજો કરી દીધો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમજ પતિ સહિતના સાસરિયાઓ માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાની ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેથી ચાંદખેડા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

