રિપોર્ટ@અંબાજી: રાવણદહન કાર્યક્રમ દરમિયાન અચાનક પથ્થરમારો, કેટલાક લોકો ઘાયલ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
યાત્રાધામ અંબાજી ખાતે આયોજિત રાવણદહન કાર્યક્રમ દરમિયાન અચાનક અસામાજિકતત્વો દ્વારા કરવામાં આવેલા પથ્થરમારાને કારણે ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ હિંસક ઘટનામાં એક સગર્ભા મહિલા અને નાની બાળકી સહિત 3 થી 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થળ પર તહેનાત એક પોલીસકર્મી પણ ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પથ્થરમારામાં ક્રિષ્ના ચૌહાણ નામની ગર્ભવતી મહિલા શિકાર બની હતી. આ ઉપરાંત, ચીખલા ગામના રહેવાસી પોપટ પરમારની નાની બાળકીને આંખના ભાગે પથ્થર વાગતા ગંભીર ઈજા પહોંચી હતી. ઘટના બાદ તાત્કાલિક તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
અંબાજી અને આસપાસના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિકતત્વોનો ઉપદ્રવ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. અગાઉ પણ પાપડ વેચતા યુવક પર હુમલો, બે ભાઈ પર જીવલેણ હુમલો તેમજ આબુરોડ માર્ગ પર શ્રદ્ધાળુઓ અને વાહનો પર હુમલા જેવી ગુનાહિત ઘટનાઓ બની ચૂકી છે. આ તમામ ગંભીર બનાવોના આરોપીઓ હજુ સુધી પોલીસ પકડથી દૂર હોવાથી અંબાજીના સ્થાનિક ગ્રામજનો અને વેપારીઓમાં પોલીસની નિષ્ક્રિયતા સામે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
રાવણદહન જેવા જાહેર કાર્યક્રમમાં પોલીસ બંદોબસ્ત હાજર હોવા છતાં આ પ્રકારની ઘટના બનતા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર ગંભીર સવાલો ઊભા થયા છે. આ ઘટના અંગે તપાસ કરવા માટે અંબાજી પોલીસ સ્ટેશનના પી.આઈ. દિલીપ પારગી સાથે ટેલિફોનિક સંપર્ક કરવામાં આવતા તેમણે સ્વીકાર્યું હતું કે, ઘટના સમયે સ્થળ પર પોલીસ બંદોબસ્ત તહેનાત હતો. જોકે, તેમણે ઉમેર્યું હતું કે, આ મામલે હજુ સુધી કોઈ ગુનો નોંધાયો નથી કે આરોપીઓની ઓળખ થઈ શકી નથી. તેમણે વધુ વાત કરવાનું ટાળ્યું હતું.

