રિપોર્ટ@અરવલ્લી: એમ્બ્યુલન્સમાં અચાનક કોઈ અગમ્ય કારણોસર આગ લાગી, નવજાત સહિત 4 ભડથું

ટોટલ સાત લોકો એમ્બ્યુલન્સમાં સવાર હતા. આગળની પોલીસની તપાસની કાર્યવાહી ચાલુ છે.
 
રિપોર્ટ@અરવલ્લી: એમ્બ્યુલન્સમાં અચાનક કોઈ અગમ્ય કારણોસર આગ લાગી, નવજાત સહિત 4 ભડથું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આગ લાગવાની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. ફરી એકવાર આગ લાગવાની ભયાનક દુર્ઘટના સામે આવી છે. અરવલ્લીના મોડાસા નજીક રાણાસૈયદ ચોકડી પાસે સોમવારે મોડીરાત્રે એક અત્યંત કરુણ દુર્ઘટના બની છે. ધનસુરા તરફ જતા રોડ પર પેટ્રોલપંપની સામેથી પસાર થઈ રહેલી એક એમ્બ્યુલન્સમાં અચાનક કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી, જેમાં સારવાર માટે લઈ જવાતા નવજાત સહિત લોકો જીવતાં ભડથું થઈ ગયા હતાં. અમદાવાદ તરફ જતી આ બર્નિંગ એમ્બ્યુલન્સના સીસીટીવી પણ સામે આવ્યા છે.

ઘટના પગલે અરવલ્લી કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા ઘટનાસ્થળે દોડી ગયા હતા. અરવલ્લી જિલ્લા કલેક્ટરે ઘટના અંગે આપી પ્રતિક્રિયા આપી હતી અને તેમણે જણાવ્યું હતું કે, આગ લાગવાનું પ્રાથમિક કારણ એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડર ફાટવાનું હોઈ શકે છે.

અરવલ્લીનાં કલેક્ટર પ્રશસ્તિ પારીકે જણાવ્યું હતું કે, એક વાગ્યાની આજુબાજુ મધરાતે મોડાસામાં રાણાસૈયદ, મોડાસા-ધનસુરા વચ્ચે હાઈવે પર એક દુઃખદ બનાવ બન્યો છે. એક એમ્બ્યુલન્સમાં લોકો ઓરેન્જ હોસ્પિટલ જતાં હતાં. લુણાવાડામાં ડિલિવરી થઈ, આ ત્રીજું બાઈક હતું પહેલાં બે બાળક બચી ન શક્યાં. આ બાળકનું જીવન કીમતી અને ખૂબ આશા સાથે પહેલાં એમને રેફર કરવામાં આવ્યું મોડાસા અને ત્યાંથી ઓરેન્જ હોસ્પિટલ રેફર કરવામાં આવ્યું હતું. ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સ હતી જેમાં એક ડોક્ટર હતાં અને સાથે નર્સ પણ હતી. એક દિવસના બાળકને લઈને તેનાં પિતા તથા પરિવારજનો હતાં. રસ્તામાં એમાં આગ લાગી ગઈ આ જગ્યા પર એમ્બ્યુલન્સમાં. પ્રાથમિક દૃષ્ટીએ દેખાય છે કે ઓક્સિજન સિલિન્ડર હતું એ ફાટી ગયું. હજુ તપાસ ચાલે છે, પીએમ પણ અત્યારે હાલ ચાલી રહ્યું છે. આ એક દિવસના નવજાત બાળકને પ્રસૂતિ બાદ બાળકને અમદાવાદ લઈ જવાતું હતું. 

પ્રાપ્ત પોલીસસૂત્રોની માહિતી મુજબ મહીસાગર જિલ્લાના લુણાવાડાના રહેવાસી જિજ્ઞેશભાઈ મહેશભાઈ મોચીના તાજા જન્મેલા બાળકને વધુ સારવાર માટે મોડાસાની રિચ હોસ્પિટલથી અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલ ખાતે લઈ જતાં હતાં, ત્યારે આ ગોઝારી ઘટના બની હતી. એમાં એમ્બ્યુલન્સના પાછળના ભાગમાં બેઠેલા ચાર લોકો સળગી જતાં મૃત્યુ પામ્યા હતા. જ્યારે આગળની સીટમાં બેઠેલા દર્દીના કાકા અને દાદી તથા એમ્બ્યુલન્સના ડ્રાઈવર દાઝી ગયાં હતાં.

અરવલ્લી SP મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું કે ગઈકાલે રાતે મોડાસાથી અમદાવાદ હાઈવે જાય છે, બાયપાસ. ત્યાં મોડાસા ટાઉનથી બે-એક કિલોમીટર દૂર એક એમ્બ્યુલન્સ જે ઓરેન્જ હોસ્પિટલ અમદાવાદથી આવેલી અહીંયા. તાજું જન્મેલું બાળક લુણાવાડાથી લઈને એનો પરિવાર લઈ અમદાવાદ રીફર કરેલું હતું. અમદાવાદ લઈ જઈ રહ્યાં હતાં. એ દરમિયાન કોઈપણ કારણસર, ટેક્નિકલ પણ હોય કે બીજું કોઈપણ કારણ હોય, જેથી પાછળની જગ્યાએ આગ લાગી, પાછળ જે ચાર લોકો બેઠા હતા એમની ઓન ધી સ્પોટ ડેથ થઈ છે. આગળ બેઠા હતા એ ત્રણેય જણ ઈન્જર્ડ છે. ટોટલ સાત લોકો એમ્બ્યુલન્સમાં સવાર હતા. આગળની પોલીસની તપાસની કાર્યવાહી ચાલુ છે. મધરાતે ચારનાં મોત, ફાયર ટીમ દોડી ગઈ પાલિકાના ફાયર અધિકારી હેમરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, રાતના 1.40 કલાકે 101 નંબર પર કોલ આવ્યો હતો કે, રાણાસૈયદ પાસે એક એમ્બ્યુલન્સમાં આગ લાગેલી છે, મોડાસા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. એમાં 3 લોકોનાં મૃત્યુ થયાં હતાં, જેમાં એક ભાઈ, એક બહેન અને એક બાળક હતાં. એમ્બ્યુલન્સ ઓરેન્જ હોસ્પિટલ અમદાવાદની હોવાનું માલૂમ પડ્યું છે. જોકે ફાયર અધિકારીના નિવેદનના ગણતરીના કલાકો બાદ મૃતક નવજાત બાળકનો પિતાનું પણ મોત થયાનું સામે આવ્યું હતું.

ગોઝારી આગમાં ભાઈ અને ભત્રીજાને ગુમાવનાર અને દાઝી ગયેલા ગૌરાંગ મોચીએ જણાવ્યું હતું કે, મોડાસાથી અમે નીકળ્યા તો ઓરેન્જ હોસ્પિટલનું એડ્રેસ આપેલું હતું. અમદાવાદથી ઓરેન્જ હોસ્પિટલે એમ્બ્યુલન્સ મોકલી હતી. જેમાં અમે અહીંથી નીકળ્યાં હતાં. એ વચ્ચે આવો આગ લાગવાનો બનાવ બન્યો છે.

ઘટના અંગે વિગતે વાત કરતાં ગૌરાંગ મોચીએ કહ્યું કે, લુણાવાડાથી અમે મોડાસા જવા નીકળ્યા હતા, ત્યાંના ડોક્ટરે અમને મોડાસાનું એડ્રેસ આપ્યું કે રિય હોસ્પિટલ મોડાસા જતાં રહો, અહીં દવાખાનામાં સારવાર કરી, રિપોર્ટ કરાવ્યાં અને સાહેબે અમને એવું કહ્યું કે અમદાવાદ લઈ જાવ. અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલથી ગાડી (એમ્બ્યુલન્સ) મોકલી હતી. અમે તેમાં બેસીને મોડાસાથી નીકળ્યાં હતાં રસ્તામાં આગ લાગી. તેમાં મારો ભાઈ, ડોક્ટર, નર્સ અને નાનું બાળક દાઝી ગયાં. મારી મમ્મી, ડ્રાઈવર અને હું ગાડીમાંથી નીકળી ગયાં. અમે આગળની સીટમાં બેઠેલા હતાં.

મૃત્યુ પામેલા લોકો

  • જિજ્ઞેશભાઈ મહેશભાઈ મોચી: – નવજાત શિશુના પિતા.
  • જિજ્ઞેશભાઈનું તાજું જન્મેલું બાળક:
  • રાજકરણ શાંતિલાલ રેટિયા:– ડોક્ટર.
  • ભૂરીબેન ડો/ઓ રમણભાઈ મનાત: – નર્સ.

નાયબ પોલીસ અધિક્ષક આર ડી ડાભીએ ઘટનાસ્થળે પહોંચતાં હતાં. તેમણે ઘટના અંગે જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે એક વાગ્યાના સુમારે મોડાસા શહેર પાસેના રાણાસૈયદ ચોકડી નજીક પેટ્રોલપંપ સામે મોડાસાથી અમદાવાદ તરફ જતી એક એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં બાળક, તેના પિતા, ડોક્ટર અને નર્સનું સ્થળ પર મોત થયું હતું. જ્યારે આગળની સાઈડમાં બેસેલા ડ્રાઈવર તથા મૃતકના ભાઈ અને માતા ગાડીમાંથી ઉતરી ગયાં હતાં અને ત્રણેયને વત્તા ઓછાઅંશે દાઝી ગયાં છે. આ ઘટનાનો મેસેજ મળતાં ડિઝાસ્ટર કંટ્રોલમાંથી પોલીસ, એમ્બ્યુલન્સ અને 108, ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી. આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર માટે મોકલ્યા હતાં. ક

મનસીબ ઘટનામાં મોતને ભેટેલાઓનું સ્થળ પર ડોક્ટર બોલાવી પીએમ કરવાની તજવીજ ચાલી રહી છે. પંચનામું કરવામાં આવ્યું છે. FSLની ટીમ બોલાવી છે, આગનું ચોક્કસ કારણ તપાસના અંતે જાણવા મળશે. એમ્બ્યુલન્સમાં આગ લાગતાં ડ્રાઈવરે વાહન ઊભું રાખ્યું હતું. આગળના ભાગમાં બેઠેલા ત્રણ લોકો શરીરે વત્તા-ઓછા પ્રમાણમાં દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા છે. ઈજાગ્રસ્તોમાં એ ત્રણેયનો સમાવેશ થાય છે.