રિપોર્ટ@અમરેલી: સિંહ પાછળ દોડતા ગાડા સાથે 2 બળદ કૂવામાં ખાબક્યા, 1નું મોત, જાણો સમગ્ર ઘટના

આજુબાજુની વાડીઓના ખેડૂતો અને ગામલોકોને જાણ કરતાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા
 
રિપોર્ટ@અમરેલી: સિંહ પાછળ દોડતા ગાડા સાથે 2 બળદ કૂવામાં ખાબક્યા, 1નું મોત, જાણો સમગ્ર ઘટના 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમરેલી જિલ્લામાં ફરી એકવાર હાવજ દેખાવાની ઘટના સામે આવી છે. સાવજો ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસીને પશુઓના મારણ કરતા હોવાની ઘટનાઓ દિન-પ્રતિદિન સામે આવે છે. વધુ એક કંઇક આવી જ ઘટના સામે આવી છે, જોકે આ ઘટનામાં સિંહે મારણ કરતાં નહીં, પણ સિંહના ડરના લીધે એક બળદનું મોત થયું છે.

આ દુર્ઘટના અંગે મળતી માહિતી મુજબ ખાંભાના ઉમરિયા ગામના ખેડૂત વાસુરભાઇ કામળિયા ગઇકાલે સાંજના સમયે પોતાની વાડીથી ગાડુ જોડીને ઘર તરફ આવી રહ્યા હતા, ત્યારે અચાનક સિંહનો ભેટો થઇ ગયો હતો. સિંહે બળદોનો શિકાર કરવા દોડ મૂકતાં બંને બળદો જીવ બચાવવા ગાડા સાથે જ 60 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યા હતા, જોકે વાસુરભાઇએ છલાંગ લગાવતાં તેઓ કૂવામાં પડતાં પડતાં રહી ગયા હતા. આ દરમિયાન સિંહ પણ ત્યાંથી જતો રહ્યો હતો.

બંને બળદ ગાડા સાથે કૂવામાં ખાબકતા વાસુરભાઇએ તરત આજુબાજુની વાડીઓના ખેડૂતો અને ગામલોકોને જાણ કરતાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા અને બળદોને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો, જોકે કૂવો 60 ફૂટ ઊંડો હોવાથી ગામલોકોના તમામ પ્રયત્નો નાકામ રહેતાં ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચીને બળદોને કાઢવાનો પ્રયત્ન કર્યો હતો.

એક તરફ રાતનું અંધારું અને કૂવો ઊંડો હોવાથી પરિસ્થિતિ ગંભીર બનતાં ફાયર વિભાગે ક્રેનને બોલાવી હતી અને બંને બળદોને કાઢવા રેસ્ક્યૂ-ઓપરેશન શરૂ કર્યું હતું. ફાયર વિભાગે અત્યંત સાવચેતીપૂર્વક લગભગ પાંચ કલાક સુધી સતત કામગીરી કરી ભારે મહેનત બાદ એક બળદને જીવિત હાલતમાં સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો, જોકે બીજા બળદનું કૂવામાં જ દુર્ભાગ્યવશ મોત નીપજ્યું હતું. એ બાદ બળદગાડુ પણ ક્રેઇનની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતું.

ઘટનાની જાણ થતાં ખાંભાના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ પણ મોડીરાત્રે સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર કામગીરીની દેખરેખ રાખી હતી. રાતના અંધકાર અને કપરા સંજોગો છતાં ફાયર વિભાગ અને સ્થાનિકોના સંયુક્ત પ્રયાસોથી બચાવ કામગીરી પૂર્ણ થઈ હતી. આ બનાવથી ગ્રામજનોએ જંગલી પ્રાણીઓની વધતી અવરજવર અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને વાડી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની માગ કરી હતી.