રિપોર્ટ@અંકલેશ્વર: 2 યુવાનોના શંકાસ્પદ મોત, પેઈન કિલર ઇન્જેક્શન લીધાની આશંકા

પોલીસ-સરકાર કેસ દબાવી દેશે
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અંકલેશ્વરમાં 2 યુવાનોના શંકાસ્પદ મોત થયા છે. આ બંને યુવાનોએ પેઈન કિલર ઇન્જેક્શન લીધાની આશંકા છે અને તેના ઓવરડોઝથી કાર્ડિયાક અરેસ્ટ આવવાથી મોત થયાનું પ્રાથમિક અનુમાન છે. આ બે યુવાનોના મોત ઉપરાંત અન્ય એક યુવાનને પણ ગંભીર હલતે સારવાર માટે ખસેડાયો છે. આ બંને યુવાનોના મોત પેઈન કિલરના ઓવરડોઝથી થયું છે કે ડ્રગ્સના ઓવરડોઝથી એ સૌથી મોટો સવાલ ઊભો થયો છે. આ ઘટનામાં એક મૃતક યુવકના પિતાએ પુત્રના મોત અંગે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે પોલીસ અને સરકાર પૈસા ખાઈને તેમના દીકરાના મોતનો કેસ દબાવી દેશે.

અંકલેશ્વરના સારંગપુર તેમજ GIDC વિસ્તારમાં લાકડાના ડેનસામાં કામ કરતાં 24 વર્ષીય ફરમાન અલી અને 25 વર્ષીય રાહુલ સિંઘે થાક ઉતારવાના ઇરાદે પેઈન કિલરનું સેવન કર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પેઈન કિલરનો ઓવરડોઝ અથવા તેની આડઅસરના કારણે કાર્ડિયાક અરેસ્ટથી બંનેના મોત થયા હોવાની આશંકા છે. જોકે, પોલીસ દ્વારા આ બાબતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પોસ્ટમોર્ટમ અને મેડિકલ રિપોર્ટ બાદ જ સમગ્ર ઘટનાનું સાચું કારણ સ્પષ્ટ થશે. આ ઘટનામાં અભિષેક નામનો એક યુવક ગડખોલ CHCમાં સારવાર હેઠળ છે.

સારંગપુર તેમજ GIDC વિસ્તારમાં લાકડાના ડેનસા પરિસરમાં ફરમાન અને રાહુલ બંનેના મૃતદેહના વિડીયો સામે આવ્યા છે, જેમાં ફરમાનનો મૃતદેહ પ્લાસ્ટિકની ખુરશીમાં બેસેલી અવસ્થામાં દેખાય છે અને રાહુલનો મૃતદેહ જમીન પર પડ્યો છે. પરિવારને જાણ થતાં રાહુલના પરિવારની એક યુવતી રાહુલના માથાને પોતાના ખોળામાં રાખી આક્રંદ કરવા લાગી હતી. આ કરૂણ દૃશ્ય જોઈને ત્યાં હજાર સૌકોઈના ગળે ડૂમો આવી ગયો હતો.

અંકલેશ્વર DySP ડો.કુશલ ઓઝાએ જણાવ્યું હતું કે બંને મૃતદેહના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાર્ડિયાક અરેસ્ટને કારણે ડેથ થયું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યું છે. પોસ્ટમોર્ટમ બાદ વિસેરા લેવામાં આવશે અને તેને તપાસ માટે મોકલવામાં આવશે. વિસેરા તથા મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક ફરમાનના પિતા પોતાના પુત્રના મૃત્યુ અંગે ઊંડી વેદના વ્યક્ત કરતા કહ્યું, “એક ફોન આવ્યા બાદ મારો દીકરો ગાડી લઈને ગયો હતો અને જ્યારે તેને પરત લાવવામાં આવ્યો ત્યારે તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. પકડાયેલા ત્રણ શખ્સોએ ઘટના સમયે મારા દીકરા સાથે હોવાની કબૂલાત કરી છે, પરંતુ અમને અન્ય લોકોની સંડોવણી હોવાની પણ આશંકા છે.”

તેમણે પોલીસ અને તંત્ર પર અવિશ્વાસ વ્યક્ત કરતા આક્ષેપ કર્યો કે ભ્રષ્ટાચાર અને પૈસાના જોરે આ કેસને દબાવીને સામાન્ય ઘટનામાં ખપાવી દેવામાં આવશે. અંતમાં,રડી પડતાં તેમણે આ ઘટનામાં તમામ દોષિતો પકડાય અને ભવિષ્યમાં અન્ય કોઈનો દીકરો ન મારે એ માટે આ સમગ્ર મામલાની યોગ્ય અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.

ભરૂચના એમ. ડી. ફિઝિશિયન ડો.કેતન દોશીએ પેઈનકીલરના ઓવરડોઝની જીવલેણ અસર વિષે જણાવ્યું કે જો પેઈનકીલર ઇન્જેક્શન opioid,fortwin કે morphine હોય તો ઓવરડોઝમાં જીવલેણ સાબિત થઈ શકે છે. હૃદયને પૂરતો ઓક્સિજન ન મળવાથી તેની ઈલેક્ટ્રીકલ એક્ટિવિટી અને પમ્પિંગ ક્ષમતા બગડી શકે છે. opioid લેવાના કેટલાક કેસમાં લો બ્લડ પ્રેશર અને ધબકારાધીમા પણ થઈ શકે છે અને અંતે કાર્ડિયોરેસ્પીરિટી અરેસ્ટ થઈ શકે છે.