રિપોર્ટ@બનાસકાંઠા: એકલવ્ય મોડેલ સ્કૂલમાં 38 વિદ્યાર્થિનીને ફૂડ પોઈઝનિંગની અસર, જાણો વધુ વિગતે

બપોરે દાળ-ભાત જમ્યા બાદ અચાનક તબિયત લથડી, તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ
 
રિપોર્ટ@બનાસકાંઠા: એકલવ્ય મોડેલ સ્કૂલમાં 38 વિદ્યાર્થિનીને ફૂડ પોઈઝનિંગની અસર, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

પાલનપુર સ્થિત જગાણા એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. સ્કૂલની ગર્લ્સ હોસ્ટેલમાં બપોરનું ભોજન આરોગ્યા બાદ 38 વિદ્યાર્થિનીઓને અસર થતા તેમને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જિલ્લા આરોગ્ય વિભાગે પણ ત્વરિત સારવાર સહિત સેમ્પલની કામગીરી કરી છે.

પ્રાથમિક માહિતી અનુસાર, શરૂઆતમાં લગભગ 10 વિદ્યાર્થિનીઓમાં ફૂડ પોઈઝનિંગના લક્ષણો જોવા મળ્યા હતા. જેથી તેમને તરત જ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારબાદ વધુ વિદ્યાર્થિનીઓને પણ સમાન લક્ષણો જણાતા તેમને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભરમાલભાઈએ જણાવ્યું કે, એકલવ્ય મોડેલ સ્કૂલની ગર્લ્સ હોસ્ટેલમાં 38 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનીંગ થયું છે. ફૂડ પોઈઝનીંગના સમાચાર મળતા આરોગ્ય વિભાગે તરત જ અસરગ્રસ્ત વિદ્યાર્થિનીઓની સારવાર શરૂ કરી હતી અને ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનના નમૂના લીધા છે. આ સાથે પાણીજન્ય રોગચાળાની આશંકાએ ક્લોરિનેશન પણ કરવામાં આવ્યું છે. હોસ્ટેલમાં 600થી વધુ બાળકો અને સ્ટાફ છે, હાલ અસરગ્રસ્ત 38 વિદ્યાર્થિનીઓ છે.

એકલવ્ય મોડેલ સ્કૂલ, જગાણાના પ્રિન્સિપાલ સંજય મિશ્રાએ કહ્યું કે, સાંજે 5:30 વાગ્યે 10 વિદ્યાર્થિનીઓને માથામાં દુખાવો અને ઉલટી જેવી સમસ્યાઓ થઈ હતી. જેથી અમારા ડોકટરની સલાહથી વિદ્યાર્થિનીઓને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

વિદ્યાર્થિનીઓએ ભોજન 12:30 વાગ્યે લીધું હતું અને આ સમસ્યા સાંજે શરૂ થઈ હતી. પહેલા 10 બાળકોને અને બાદમાં વધુ વિદ્યાર્થિનીઓને પણ આ સમસ્યા થતાં તમામને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી.

પાલનપુર સિવિલ હોસ્પિટલના ડોક્ટર સુનિલ જોશીએ જણાવ્યું કે, ફૂડ પોઈઝનિંગની અસર હેઠળની વિદ્યાર્થિનીઓ સારવાર લઈ રહી છે. તમામ વિદ્યાર્થિનીઓની સ્થિતિ સ્થિર છે. આ ઘટના બાદ શાળાનો સ્ટાફ પણ સિવિલ હોસ્પિટલમાં હાજર રહીને બાળકોની દેખરેખ રાખી રહ્યો છે. ઘટનાના કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.