રિપોર્ટ@ભરૂચ: પરિણીત પ્રેમી યુગલે ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાંથી ફરી એકવાર આત્મહત્યાની ઘટના સામે આવી છે.ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં પ્રેમ સંબંધના કારણે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પરિણીત પ્રેમી યુગલે ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મૃતક યુવક અને યુવતી બંને પરિણીત હતા અને બંનેને 2-2 સંતાનો હોવાનું જાણવા મળ્યું છે.
મૃતક યુવકની ઓળખ રાજપારડીના સંજય નાગજી વસાવા તરીકે થઈ છે, જ્યારે યુવતી ઝઘડિયાની સુધા ચિરાગ રાઠોડ હોવાનું બહાર આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સુધાનો પતિ દારૂના વ્યસની હોવાથી તે છેલ્લા કેટલાક સમયથી પોતાની માતા સાથે રહેતી હતી. આ દરમિયાન સંજય અને સુધા વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.
ગત 4 એપ્રિલના રોજ આ યુગલ પોતપોતાના ઘરેથી રહસ્યમય સંજોગોમાં નીકળી ગયું હતું. પરિવારજનોએ શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન લાગતા ઝઘડિયા પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જોકે, પોલીસ તપાસ દરમિયાન પણ તેમની કોઈ ભાળ મળી નહોતી.
ગઈકાલે રાત્રે ઝઘડિયામાં બેંક ઓફ બરોડા સામેથી બંનેના મૃતદેહ મળી આવતા સ્થાનિકોમાં ફાળ પડી હતી. ઘટનાની જાણ થતા જ ઝઘડિયા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે બંનેના મૃતદેહોનો કબજો મેળવી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
પોલીસે આ અંગે બંને પક્ષના પરિવારજનોને જાણ કરી છે. બે પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે અને 4 બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવતા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

