રિપોર્ટ@ભાવનગર: સર ટી હોસ્પિટલ રેગિંગ કેસમાં 6 વિદ્યાર્થી સસ્પેન્ડ, જાણો સમગ્ર મામલો

‘દોષિત વિદ્યાર્થીઓને આ સાંજ સુધીમાં હોસ્ટેલ ખાલી કરવાની છે’
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ભાવનગરની સર ટી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં મેડિકલ વિદ્યાર્થીઓ સાથે થયેલા રેગિંગના મામલે એન્ટી રેગિંગ કમિટીએ આશરે સાડા આઠ કલાક સુધી ચાલેલી બેઠકમાં પીડિત વિદ્યાર્થીઓ અને રેગિંગ કરનાર વિદ્યાર્થીઓ સહિત ફેકલ્ટી તથા સ્ટાફના નિવેદનો લીધા હતા. તપાસ પૂર્ણ થયા બાદ 6 વિદ્યાર્થીઓને રેગિંગના ગુનામાં દોષિત જાહેર કરી 6 મહિનાથી 2 વર્ષ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ તમામ દોષિત વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરવા અને શૈક્ષણિક તેમજ હોસ્પિટલની તમામ પ્રવૃત્તિઓથી દૂર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. ઉપરાંત તમામ સામે પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી અંગે તજવીજ હાથ ધરી છે.

આ બનાવ અંગે મેડિકલ કોલેજના ડીન ચિન્મય શાહે જણાવ્યું હતું કે, કોલેજના વિદ્યાર્થીઓનો નિર્ણય લેવાનો હોય તો કોલેજના એક મોભી તરીકે હંમેશા દુઃખદાયક હોય છે. ગઇકાલે 5 વાગ્યે સાંજે મીટિંગની શરૂઆત કરી હતી અને વહેલી સવારે બે વાગ્યા સુધી મેરેથોન બેઠક ચાલી હતી. બંને પક્ષને રજૂઆત કરવાનો ત્રણ વાર સમય આપ્યો હતો, જેથી કોઈ નિર્દોષ ન છૂટી જાય.

નિવેદનો અને દસ્તાવેજી પુરાવાને જોઈ કમિટી એ નિર્ણય પર આવી છે કે જે વિદ્યાર્થીઓ પર દોષારોપણ કરવામાં આવ્યા છે તે દરેકને આજે સાંજે 6 વાગ્યા સુધીમાં હોસ્ટેલ ખાલી કરવાની રહેશે.

રજૂઆતોને ધ્યાનમાં લેતા એક વિદ્યાર્થીને 2 વર્ષ માટે, 3 વિદ્યાર્થીને 1 વર્ષ માટે અને 2 વિદ્યાર્થીને 6 મહિના માટે કોલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે, તે દરમિયાન તેઓ ક્લિનિકલ કે એકેડેમિક પ્રવૃત્તિમાં ભાગ નહીં લઈ શકે અને સર ટી હોસ્પિટલ ખાતે હોસ્પિટલમાં પણ તેઓ ભાગ નહીં લઈ શકે. આજે સવારે સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ પણ નોંધાવી દેવાશે.

ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં જુનિયર વિદ્યાર્થીઓ દ્વારા સિનિયર સામે રેગિંગની ફરિયાદ કરવામાં આવી હતી. ઓર્થોપેડિક વિભાગના ફર્સ્ટ યરના 13 વિદ્યાર્થીઓ દ્વારા 6 સિનિયર વિદ્યાર્થીઓ સામે ફરિયાદ કરવામાં આવી હતી. સિનિયર વિદ્યાર્થીઓ જુનિયર પાસે પૈસા માગતા હોવાનો અને મુર્ગા બનાવતા હોવાનો આક્ષેપ કરાયો હતો. જુનિયર વિદ્યાર્થીઓની ફરિયાદ બાદ એન્ટી રેગિંગ સ્કવોડ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.

ભાવનગર સર ટી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બિલ્ડિંગમાં બનેલી રેગિંગની ચકચારી ઘટનામાં નામ ન આપવાની શરતે અમાનવીય ત્રાસનો ભોગ બનનારા પ્રથમ વર્ષના જુનિયર તબીબોએ બીજા વર્ષના 6 તબીબી વિદ્યાર્થી દ્વારા અપાતી રૂંવાડા ઊભા કરી દે તેવી તાલિબાની સજા વર્ણવી હતી. જેમાં દર મહિને અઢી લાખ પડાવતાં, દારૂની બોટલો મંગાવતાં, કુકડા બનાવતાં, ટ્રોમા સેન્ટરની બહાર નહીં નીકળવા દેવા, જમવા અને સુવાનો સમય નહીં આપવા, એક્સ-રે વિભાગમાં લેડ એપ્રન નહીં પહેરવા દેવા, આખી રાત એક પગે ઉભા રહેવા, છેલ્લા 15 દિવસ સુધી ન્હાવા સુદ્ધા નહીં દેવા જેવી તાલિબાની સજા અપાતી હોવાની આપવીતી વર્ણવી હતી. આખરે હિંમત કેળવી તેઓએ લેખિત ફરિયાદ કરી હોવાનું જણાવી દોષિતોને આકરી સજા થાય તેવી લાગણી અને માંગણી વ્યક્ત કરી હતી.