રિપોર્ટ@ભાવનગર: માતાજીને પગે લાગી અગરબત્તી કરી ચાંદીના 7 છતરની ચોરી કરી, જાણો સમગ્ર ઘટના વિશે

ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તસ્કરની શોધખોળ શરૂ કરી છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ફરી એકવાર ચોરીની ઘટના સામે આવી છે. ભાવનગર જિલ્લાના બગદાણા ગામમાં આવેલા મેલડી માતાજીના મંદિરમાં અજાણ્યા શખ્સે પ્રવેશ કરી મંદિરમાં માતાજીને ચડાવેલા ચાંદીના સાત છતરની ચોરી કરી છે.તસ્કર સૌપ્રથમ દરવાજો ખોલી મંદિરમાં પ્રવેશે છે. મંદિરમાં આવતા જ તે પગે લાગે છે. બાદમાં મંદિરમાં અગરબત્તી કરી માતાજીને ચડાવેલા 7 ચાંદીના છતરની ચોરી કરી ફરાર થઈ જાય છે. પૂજારી જ્યારે આરતી કરવા આવ્યા ત્યારે તેમને ચોરી અંગે જાણ થઈ હતી.

ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા CCTVમાં કેદ થઈ ગઈ છે. મંદિરના સભ્યોની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તસ્કરની શોધખોળ શરૂ કરી છે.

ગત 22 જૂનના રોજ મંદિરના પૂજારી જગદીશભાઈ ગોહીલ આરતી માટે મંદિરે પહોંચતા માતાજીને ચડાવેલા ચાંદીના છતરો ગાયબ થયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતુ, જેને લઈને તેઓએ મંદિરના સભ્યોને જાણ કરતા સભ્યો મંદિરે પહોંચ્યાં હતા.

મંદિરમાં લગાવેલ સીસીટીવી ફૂટેજ ચેક કરતા સવારે આશરે 7 વાગ્યાને 25 મિનિટે એક અજાણ્યો શખ્સ મંદિરમાં પ્રવેશી માતાજીને ચડાવેલા ચાંદીના સાત છતરો ઉતારી પોતાના ખિસ્સામાં મૂકી ધરાઈ તરફના રસ્તે ફરાર થતો જોવા મળ્યો હતો.

સભ્યો અને ગ્રામજનોએ ફૂટેજના આધારે શખ્સની ઓળખ મેળવવાના પ્રયાસ કરતા આજદિન સુધી તેની કોઈ ઓળખ ન થતા મંદિરના સભ્યો દ્વારા મંદિરમાં ચોરી થયેલા સાત ચાંદીના છતરોનું કુલ વજન આશરે 50 ગ્રામ અને કિંમત અંદાજે 13 હજાર રૂપિયાની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના અનુસંધાને બગદાણા પોલીસે અજાણ્યા શખ્સ સામે 305, 331 મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.