રિપોર્ટ@ભાવનગર: 4 મહિલા બુટલેગરના ઘરનું ડિમોલિશન,રૂ. 1 કરોડથી વધુની જગ્યા ખુલ્લી કરાઈ, જાણો સમગ્ર મામલો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભાવનગર SP નિતેશ પાંડે દ્વારા શહેરમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓ, ખાસ કરીને પ્રોહિબિશન અને શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. આજે 23 માર્ચની સવારથી પાંચ અસામાજિક તત્વોના રહેણાંક મકાનોનું ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ, શહેરના દીપકચોક નજીક આવેલા આડોડીયા વિસ્તારમાં ચાર મહિલા બુટલેગર અને પ્રભુદાસ તળાવ હવામસ્જિદ વિસ્તારમાં એક શરીર સંબધિત ગુનાના પુરુષ આરોપીના ગેરકાયદે બાંધકામો તોડી પડાયા છે.
સવારે 8થી શરૂ થેયલી ડિમોલિશનની કામગીરીમાં બપોરના 12.30 વાગ્યા સુધીમાં પાંચેય આરોપીના બાંધકામ પર બુલડોઝર ફેરવી આશરે રૂ. 49,88,600ની 652 ચો.મી જગ્યા ખુલ્લી કરાઈ હતી. આ સાથે જ દીપકચોક પાસે મહાનગરપાલિકાના પ્લોટ નં. 729 અને 730 પરથી પણ 13 દુકાન, 4 ઝૂપડા, 3 બાથરૂમ અને 1 ધાર્મિક મળી કુલ 21 પાક્કા દબાણો દૂર કરી અંદાજિત 835 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. આ જમીનની કિંમત જંત્રી ભાવ મુજબ અંદાજિત રૂ.91,95,000 થાય છે. આમ તંત્રએ આજે અંદાજે એક કરોડથી વધુ રૂપિયાની સરકારી જમીન ખુલ્લી કરી છે.
આ કામગીરી માટે સિટી DYSP, LCB, ઘોઘારોડ, બોરતળાવ અને ગંગાજળિયા પોલીસ સહિત 200થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. સાથે કોર્પોરેશન, પીજીવીસીએલ અને ફાયર વિભાગનો સ્ટાફ પણ જોડાયો છે. અચાનક હાથ ધરાયેલી આ કાર્યવાહીથી શહેરના અન્ય ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા શખસોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ઘરો તૂટતા જોઈને મહિલાઓ રડતી જોવા મળી હતી.

