રિપોર્ટ@ભાવનગર: ડિસ્ટ્રીકટ બેંકનું સોફ્ટવેર હેક કરી 7 કરોડથી વધુની છેતરપિંડી આચરી, જાણો સમગ્ર મામલો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંક અને તેના ચેરમેન અને હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી. જેમાં બેંકની ટેકનિકલ નિષ્ણાત ટીમ સાથે ગાંધીનગર પહોંચીને ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા શરૂ કરી છે.
ભાવનગર ડિસ્ટ્રીકટ કો.ઓપરેટિવ બેંકમાં સાયબર ફ્રોડની ગંભીર ઘટના સામે આવતા બેંકિંગ ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. જેમાં ડિસ્ટ્રીક્ટ 'કો.ઓપરેટીવ બેન્કના ડેટા હેક' કરી સિક્યુરિટી સિસ્ટમ ને ક્રેક કરી સીદસર, સુભાષનગર, 'ભરતનગર અને તળાજા બ્રાંચમાંથી 7 કરોડથી વધુ રકમની સાઇબર ફ્રોડ થયા હોવાનો મામલો સામે આવ્યો છે.
આ અંગેની જાણ થતા ભાવનગર હેડ ઓફીસ દ્વારા જિલ્લાની તમામ બ્રાંચોમાં બેન્કની કામગીરી સ્થગિત કરી દેવાઈ છે, અને મામલે વધુ તપાસ માટે બેંકની ટીમ ટેકનિકલ નિષ્ણાતો સાથે ગાંધીનગર પહોંચીને ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ બનાવ અંગે ભાવનગર ડિસ્ટ્રીકટ કો.ઓપરેટિવ બેંકના ચેરમેન રસિકભાઈ ભીંગરાડીયાએ જણાવ્યું હતું કે, અમારી બેંકમાં સાયબર ફ્રોડ થયો છે, જેની જાણ અમને ગઈકાલે સોમવારે સવારે 10 વાગ્યે થઈ છે. સામાન્ય રીતે મોબાઈલ બેંકિંગમાં રજાના દિવસે 70થી 80 લાખ સુધીનું ટ્રાન્ઝેક્શન થતું હોય છે. શનિવારે સાંજે બેંક બંધ થયા પછી રવિવારે રજા હતી, અને સોમવારે સવારે 10 વાગ્યે અમારા સ્ટાફના મિત્રોએ જ્યારે ચેક કર્યું, ત્યારે આ રકમ 70-80 લાખને બદલે 7 કરોડથી પણ વધુ બતાવતી હતી. તેમણે તરત જ CEOને જાણ કરી.
ભીંગરાડીયાએ વધુમાં કહ્યું કે, આમાં સ્ટાફની કોઈ સંડોવણી નથી, આ સોફ્ટવેરની ખામી છે. સોફ્ટવેરની મુખ્ય ચાવી કંપની પાસે હોય છે. એ અમારા ceo કે જનરલ મેનેજર કે મારી પાસે ન હોય, જે ડેટા નખાવાયેલો હોય એટલું જ કામ થતું હોય, અને આમા જે ફ્રોડ થયું છે એ માત્ર ચાર બ્રાન્ચમાંથી એક એક નામથી થયું છે.
તેને વધુમાં કહ્યું હતું કે, એમાં ખાસ કરીને જે મોબાઇલ બેન્કિંગમાંથી પાંચ લાખથી વધારે થતું હોય નહીં કોઈનું ન થઈ શકે, અમારી 88 બ્રાન્ચમાંથી ક્યાંથી ના થઈ શકે, એ સોફ્ટવેરમાં નખાવેલું હોય. તેમ છતાં ત્રણ-ત્રણ કરોડના એક નામે રકમ ઉપડી છે. એટલે એ સોફ્ટવેરની ચાવી કોઈ જાણકાર વ્યક્તિ કે ભેજાબાજ માણસોથી થઈ શકે છે. આમાં જેના ખાતામાં રૂપિયા હોય એનાથી ઓછા ઉપડે, વધારે ઉપડે નહીં. કદાચ કોઈના ખાતામાં ₹1,000 પડ્યા હોય તો 1,000 જ ઉપડે. જેમાં એક ખાતામાં 2000 રૂપિયા પડ્યા હતાં, એ ખાતામાંથી ત્રણ કરોડ રૂપિયા ઉપડ્યાં એ સોફ્ટવેરની ખામી છે.
બેંકના ચેરમેન રસિકભાઈ ભીંગરાડીયાએ વધુમાં જણાવ્યું હતું કે, આજે અમારી પાસે આંકડો ફિક્સ આવ્યો એટલે ભાવનગર એસપી પાસે ગયા હતાં. ત્યાં એસપીએ જણાવ્યું હતું કે સાત કરોડથી મોટું ફ્રોડ છે, અને સાયબર ફ્રોડ માટે અમારી પાસે આના કોઈ ટેકનિશિયન છે નહીં. જે બધી સુવિધા ગાંધીનગર છે, એટલે તેને લઈ અમારી આખી ટિમ ટેકનિશિયન સાથે FIR કરવા ગાંધીનગર ગઈ છે.
તેને કહ્યું કે, હાલ બેંકની કાર્યવાહી બંધ છે, એટલા માટે આ લોકોએ કોઈપણનું ફ્રોડ કરેલું છે, જેની ચાવી એને મળી ગઈ હોય અથવા એના ડેટા એની પાસે આવી ગયા છે. એટલે જો કામગીરી શરૂ કરીએ તો ફ્રોડ પાછો શરૂ રહે, તે માટે બેન્ક કાર્યવાહી બંધ કરી છે.

