રિપોર્ટ@ભાવનગર: વડાપ્રધાન મોદીનો રોડ શો યોજાશે, CM સ્વાગત માટે એરપોર્ટ રવાના, જાણો વધુ વિગતે

રાજ્યના 27000 કરોડ મળી દેશના કૂલ 1 લાખ કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
 
રિપોર્ટ@ભાવનગર: વડાપ્રધાન મોદી  રોડ શો યોજી જવાહર મેદાનમાં જાહેરસભાને સંબોધન કરશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે વડાપ્રધાન મોદી ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. ભાવનગરમાં વડાપ્રધાન મોદીનો  રોડ શો યોજાશે. પછી તેઓ જવાહર મેદાનમાં જાહેરસભાને સંબોધન કરશે. ભાવનગર સહિત રાજ્યના 27000 કરોડ મળી દેશના કૂલ 1 લાખ કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમના કાર્યક્રમને લઈ ભાવનગરમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

કાર્યક્રમ બાદ તેઓ બપોરે અમદાવાદ જિલ્લાના લોથલ જવા રવાના થશે. જ્યાં તેઓ હાલ નિર્માણ પામી રહેલા એશિયાના સૌથી મોટા નેશનલ મેરીટાઇમ હેરિટેજ મ્યુઝિયમ પ્રોજેક્ટ પ્રગતિની સમીક્ષા તેમજ અત્યારસુધી તૈયાર થયેલા કામનું નિરીક્ષણ કરશે.

તેમજ પીએમ મોદી ભાવનગર ખાતે આયોજિત ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. દેશની વિકાસયાત્રાને સમુદ્રથી સમૃદ્ધિની દિશામાં લઇ જવા માટે વડાપ્રધાન આ કાર્યક્રમ દરમિયાન ભારત સરકારના પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ 66,025 કરોડના MoUsનું રિમોટ બટન દબાવીને લોકાર્પણ કરશે.

જેમાં બંદરો અને શિપિંગ સંબંધિત 21 MOUનો સમાવેશ થાય છે. આ સાથે જ, વડાપ્રધાન પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ દેશના પ્રમુખ બંદરોના વિકાસ માટે ₹7870 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.