રિપોર્ટ@કલોલ: સમસ્યા અંગે રજૂઆત કરવા આવેલા નાગરિકને ભાજપ કાર્યકરે કોલર પકડી બહાર કાઢ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કલોલ નગરપાલિકા ફરી વિવાદ આવી છે. વોર્ડ 3ના વિરમાયાનગર સોસાયટીના રહેવાસી મનોજકુમાર લેઉઆ તેમના વિસ્તારની ખારકૂવા, ગટર અને સફાઈની સમસ્યા અંગે રજૂઆત કરવા આવ્યા હતા. જ્યાં પટાવાળા સાથેની બોલાચાલી દરમિયાન ભાજપના કાર્યકરે તેમને કોલર પકડી બહાર કાઢ્યા હતા.
ગતરોજ મનોજકુમાર લેઉઆ વોર્ડ 3ની સમસ્યાઓને લઇ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને મળવા આવ્યા હતા. જે દરમિયાન ફરજ પરના પટાવાળા સાથે તેમની બોલાચાલી થઇ હતી. જેમાં કલોલ નગરપાલિકાના સભ્ય કિંજલબેન પરમારના સગા અને ભાજપના કાર્યકર્તા યોગેશભાઈ વચ્ચે પડ્યા હતા. તેમણે મનોજભાઇનો કોલર પકડી તેમને બહાર નીકળી જવા કહ્યું હતું. જે બાદ આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. અંતે કોંગ્રેસના નેતા ધનજીભાઈની દરમિયાનગીરીથી મામલો શાંત પડ્યો હતો.
આ સમગ્ર મામલે મનોજભાઇ લેઉઆએ જણાવ્યું હતું કે, અમે અમારા વિસ્તારની સમસ્યા લઇને આવ્યા હતા અને આ લોકો અમને આમ બહાર કાઢી મૂકે તે કેટલું યોગ્ય કહેવાય?. દલિત સમાજના વિસ્તાર માટેની જે ગ્રાન્ટ આવે છે તે ક્યાં જાય છે? અમે નિયમિત વેરો ભરીએ છીએ તો અમને સુવિધાઓ કેમ નહિ?. ખારકૂવા અને ગટરની સમસ્યાને કારણે મહિલાઓને બહુ તકલીફ પડે છે.
ઉલ્લેખનીય છે કે, મનોજકુમાર વર્ષ 2015થી આ સમસ્યા અંગે વારંવાર રજૂઆત કરી રહ્યા છે. તેમણે સરકારના સ્વાગત કાર્યક્રમમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી.
જો કે, મનોજકુમાર લેઉઆએ આ બોલાચાલી અંગે કોઇ ફરિયાદ કે લેખિત રજૂઆત કરી નથી. આ અંગે ચીફ ઓફિસર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પણ, તેમણે મિટિંગમાં હોય આ બાબતે અજાણ હોવાનું જણાવ્યું હતું. આ ઘટનાએ ભૂતકાળમાં થયેલા લાફાકાંડની યાદ તાજી કરાવી છે. પ્રજાના ટેક્સનાં નાણાંમાંથી પગાર મેળવતા પ્રતિનિધિઓ અને કર્મચારીઓનું આવું વર્તન જોઈ લોકોમાં રોષ ફેલાયો છે.