રિપોર્ટ@ગાંધીનગર: 9 વર્ષની ગુમ બાળકીની લાશ પ્લાસ્ટિકના કોથળામાંથી મળી આવતા ભારે ચકચાર

પોલીસે ફરિયાદના આધારે બાળકીની શોધખોળ શરૂ કરી 
 
રિપોર્ટ@ગાંધીનગર: 9 વર્ષની ગુમ બાળકીની લાશ પ્લાસ્ટિકના કોથળામાંથી મળી આવતા ભારે ચકચાર 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગુમ બાળકીની લાશ પ્લાસ્ટિકના કોથળામાંથી મળી આવતા ભારે ચકચાર મચી છે. ગાંધીનગરના ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારના રાયપુર ગામમાંથી 12 નવેમ્બર 2025ની બપોરે ગુમ થયેલી 9 વર્ષ 11 મહિનાની બાળકીની 13 નવેમ્બર 2025ની રાત્રે તેના ઘર નજીકથી જ પ્લાસ્ટિક કોથળામાં પેક કરેલી હાલતમાં લાશ મળી છે.

બાળકીની લાશ મળતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. મૃતકના પાડોશીએ જ બાળકી સાથે દુષ્કર્મ આચરીને હત્યા કરી લાશને કોથળામાં નાખી બાજુના ઘરના ઓસરીમાં નાખી હોવાના અનુમાન સાથે શંકાના દાયરામાં છે. જ્યારે શંકાસ્પદ શખસના બાળકે બે અલગ અલગ સ્ટેટમેન્ટ આપ્યાં હતાં. પહેલા 500 રૂપિયાની લાલચ આપી કોઈ અપહરણ કરી ગયું હોવાનું બાદમાં નદી તરફ જતી જોઈ હોવાનું જણાવ્યું હતું. ગાંધીનગર પોલીસ હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.

આ અંગે મળતી વિગત મુજબ, રાયપુર ગામના રામાપીરવાળા વાસમાં રહેતા એક પિતાની પુત્રી ગત 12મી નવેમ્બરે સવારે આશરે દસેક વાગ્યાના સુમારે ક્યાંક જતી રહી હતી. બાળકી ગુમ થતાં તેના પિતાએ કોઈ અજાણી વ્યક્તિ તેનું કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ગયું હોવાની શંકા સાથે ડભોડા પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધાવ્યો હતો.

પોલીસે ફરિયાદના આધારે બાળકીની શોધખોળ શરૂ કરી હતી અને સોશિયલ મીડિયામાં પણ તેની જાહેરાત કરી હતી, જોકે આ બાળકીની શોધખોળ અંતે કરુણ ઘટનામાં પરિણમી છે. 13 નવેમ્બરની રાત્રે પરિવાર જે મકાનમાં રહે છે એની પાછળના ભાગે આવેલી એક ઓરડીની ઓસરીમાંથી શંકાસ્પદ હાલતમાં એક પ્લાસ્ટિકની થેલી(કોથળો) મળી હતી. તપાસ કરતાં આ કોથળામાં ગુમ થયેલી બાળકીની લાશ જ પેક કરેલી હાલતમાં મળી હતી.

આ અંગે વિશ્વસનીય પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે બાળકી ગુમ થઈ ત્યારથી માંડીને લાશ મળી ત્યાં સુધી પોલીસની અલગ અલગ ટીમો તપાસ કરી રહી હતી. બાળકીના પિતા GIDCમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે, જેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હતી. બાળકીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન છે, જેનું પેનલ ડોક્ટરોની ટીમ મારફતે પોસ્ટમોર્ટમ કરાવવાનું છે. બાળકી સાથે અઘટિત ઘટ્યું છે કે નહીં એ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જાણવા મળશે.

આ પ્રકરણમાં એક શંકાસ્પદ શખસને રાઉન્ડ અપ કરવામાં આવ્યો છે, જે મૃતકના પિતાનો પાડોશી છે અને તેના ઘરમાં તેની પત્ની અને આઠ વર્ષનો દીકરો છે. આ શખસ પ્લાસ્ટિકનો ભંગાર વીણીને વેચવાનો ધંધો કરે છે. બાળકી ગુમ થઈ ત્યારથી તે બાળકીના પિતા સાથે શોધખોળ કરતો હતો, જેનો નાનો દીકરો પણ પોલીસને કહેતો કે બાળકીને કોઈ 500 રૂપિયા આપવાની લાલચ આપી લઈ ગયું છે, તો ઘડીકમાં તે નિવેદન બદલીને બાળકી નદી બાજુ જતી જોવા મળી હોવાનું કહેતો હતો. જ્યારે શંકાસ્પદ શખસે બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યા પછી ગળું દબાવી લાશને ખાતરના પ્લાસ્ટિકના કોથળામાં પેક કરીને ભંગારના સામાન નીચે સંતાડી દીધી હોવાની આશંકા છે, જેમાં તેની પત્ની પણ શંકાના દાયરામાં છે.

બાળકી ગુમ થયાની ફરિયાદ દાખલ થતાં જ આસપાસના વિસ્તારમાં શિફ્ટવાઇઝ પોલીસ ટીમો એક્ટિવ કરી દેવાઈ હતી. જેથી આ શખસને લાશને અન્ય સ્થળે લઈ જવાનો મોકો મળ્યો નહીં હોવાનું અનુમાન છે. ગઈકાલે મોકો જોઈને તેણે બાજુના ઘરના ઓસરીમાં કોથળો ફેંકી દીધો હોવો જોઈએ. આ ઘરમાં પણ પરિવાર રહે છે, જેઓએ ઘરની બહાર ઓસરીમાં ભંગારના સામના સાથે કોથળો જોઈને ખોલ્યો હતો અને બાળકીના પિતાને વાત કરી હતી. શંકાસ્પદ શખસ અને જે જગ્યાએથી બાળકીની લાશ સાથેનો પ્લાસ્ટિકનો કોથળો મળ્યો છે એ બંને ઘર નજીક છે. બંને ઘર વચ્ચે એક લોખંડની જાળીનો ફરક છે, એટલે તકનો લાભ લઈને કોથળો ફેંકી દીધો હોવો જોઈએ.

પોલીસ તપાસમાં જે ઘરેથી બાળકીની લાશ મળી છે તે વ્યક્તિ પણ રડારમાં આવી છે. તેની પણ પૂછપરછ ચાલી રહી છે. મૃતકનું અને જે ઘરેથી લાશ મળી છે એ શખસનું ઘર એકદમ નજીક નજીક જ છે. જેથી લાશ આ શખસના ઘરમાં જ રાખવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ શખસ બાળકીની શોધખોળમાં સાથે ફરતો હતો અને પોલીસની ગતિવિધિ પર ધ્યાન રાખતો. હાલમાં આ ઇસમ અને જે ઘરેથી કોથળો મળ્યો એની બંનેની પૂછપરછ ચાલી રહી છે.

નાની બાળકીની હત્યા કરીને લાશને પ્લાસ્ટિક કોથળામાં છુપાવી દેવાની ઘટનાની ગંભીરતાને જોતાં જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમની સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેમજ FSLની ટીમ પણ પહોંચી હતી. પોલીસે લાશનો કબજો મેળવીને હત્યા અને અપહરણના ભેદ ઉકેલવા માટે સઘન તપાસ શરૂ કરી દીધી હતી.

મૃત બાળકીના એક સ્વજને જણાવ્યું કે, 24 કલાક વીતી ગઈ, FIR ફાટી, પોલીસ આવી અહીં તપાસ ચાલુ થઈ. કેમેરા જોયા પણ ક્યાંય એની ભાળ મળી નહીં. અમને એવું હતું કે જીવતી હશે, અમારી છોકરી કોઈક ઉપાડી ગયું તે મળી જશે. અત્યારે એવા બનાવો બને છે તે અમે એ વહેમમાં રહ્યા, પણ અમારા જ ઘરની બાજુમાં જે પાડોશી રહેતો તો, અમને જેની ઉપર શંકા હતી, અમે એનું નામ આલ્યું તું, કે આના પર શંકા છે. પરંતુ એના પર કોઈ કાર્યવાહી થઈ નહીં, પણ એને છોડીને બાજુનું ઘર છે. જે દંતાણી પરિવાર રહે છે, એ લોકોએ ત્રણ દિવસથી અમારી છોકરીને મારીને પાછળ એ બધું ભંગાર ભરે છે એના ભેગું થેલાની અંદર છોકરીને પૂરી અને પછી રાખી દીધી તી સાહેબ 36 કલાક પૂરા થઈ ગયા, એનાથી રહેવાયું નહીં એટલે એણે બાજુના ઘરમાં લાશ મૂકી દીધી.

ગઈ રાતે 7.30 વાગ્યે બાજુવાળો બોલાવા આવ્યો કે કોક કટ્ટામાં મારા ઘેર કંઈક નાંખી ગયું છે, તો તમે આવીને જુઓ તો તમારી છોકરી છે. અમે ત્યાં દોડીને જોયું તો અંદર અમારી છોકરી હતી સાહેબ. તોય અમારી જોડે જે હત્યા કરનારો આરોપી છે, એ અમારી જોડે એની વાઇફ, એનો છોકરો બધા અમારી જોડે જ અમારા પરિવારના જોડે જ હતા, ને જોડે જ ફરતા હતા. એટલે અમને એના પર કોઈ શક જ ના થયો. પણ જ્યારે ક્રાઇમ બ્રાન્ચવાળાએ તપાસ કરી. તો વારેઘડીએ જે ડોગ સર્ચ થયું ને તો એના ઘરમાં જ વારેઘડીએ તપાસ થતી તી. તોય એવું કહેતો તો કે બાજુના ઘરેથી લાશ મળી, તો મારા ઘરમાં શું લેવા તપાસ કરો.મારા ઘરમાં શું લેવા તપાસ કરો પણ અમને એવી કોઈ જાણ નથી કે આણે કર્યું છે. એણે કબૂલાત કરી કે મેં આ છોકરીની હત્યા કરી છે. તો અમને ખબર પડી કે હારું જે અમારા જોડે રહ્યો બે દિવસ, ત્રણ દિવસ ફર્યો, એણે જ અમારી છોકરીને આ રીતે મારી નાખી છે.

આ છોકરા ભેગું રમતા હોય તો કોક દી છોકરા બાબતે બોલાચાલી થઈ હોય. બાકી કોઈ વાત-વિવાદ કે કોઈ દુશ્મની કે એવું કંઈ નહોતું એના જોડે. તો બી આણે આવું કાંડ કર્યું. ને અમને જાણ બી નહીં થવા દીધી સાહેબ. અમારું બીજું જ કશું નહીં. સરકારને, પોલીસને બધાને એ જ કહેવું છે કે અમારે ન્યાય જોઈએ. જેવી અમારી છોકરી મરી છે ને એવી એને ફાંસીની સજા આલો, બસ.અમારી એટલી જ માંગ છે. બીજું કંઈ અમારે જોઈતું નથી સાહેબ.