રિપોર્ટ@ગુજરાત: કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાની સહાય ચૂકવવાને કેબિનેટની મંજૂરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કમોસમી વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં ખેતરોમાં પાકને ભારે નુકસાન થયું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સ્થિતિનો તાત્કાલિક તાગ મેળવવા મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં જવાની સૂચના આપી હતી. મુખ્યમંત્રીના આ નિર્દેશ બાદ મંત્રીઓ મેદાનમાં ઉતરી ખેડૂતોની વચ્ચે પહોંચી તેમની વેદના સાંભળી અને સ્થિતિની સમીક્ષા કરી હતી. આજે મળેલી કેબિનેટની ખેડૂતોને સહાય ચૂકવવા મંજૂરી અપાઈ છે.
રાજ્ય સરકારના સૂત્રોએ જણાવ્યું છે કે માવઠાથી થયેલાં નુકસાન અંગે રાજ્યના પાંચ મંત્રીઓએ જમીનસ્તરનો સર્વે કરી રિપોર્ટ તૈયાર કર્યો છે. આ રિપોર્ટના આધારે પાક નુકસાની સહાયની જાહેરાત કરવામાં આવશે.
આ ઉપરાંત આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને જીતુ વાઘાણીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ છે. આગાઉ પણ બંન્ને નેતા પ્રવક્તા મંત્રી તરીકે રહી ચૂક્યા છે. આ પહેલા જવાબદારી ઋષિકેશ પટેલ અને કનુભાઈ દેસાઈ સંભાળી રહ્યા હતા. હવે નવી ફરજ હેઠળ હર્ષ સંઘવી અને જીતુ વાઘાણી સરકારના નિર્ણયો અને નીતિઓ અંગે મીડિયાને માહિતી આપશે.

