રિપોર્ટ@અમદાવાદ: ઝઘડાની અદાવતમાં વાહન-મકાનમાં આગ લગાડી, 4 લોકો સામે ફરિયાદ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદના વટવા વિસ્તારમાં નવાપુરા પાસે દરબાર નગરમાં પિતા અને પુત્ર સહિતના લોકો દ્વારા મકાન અને વાહનમાં આગ લગાવવાની ઘટના બની હતી. ઘરની પાસે પડેલા લાકડા બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખીને બોલાચાલી બાદ વાહનમાં આગ લગાડી દેવામાં આવી હતી. ત્યારબાદ બાઈકનું સીટ કવર ઘરમાં ફેકતા ઘરમાં આગ લાગી હતી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. મુખ્ય આરોપી રાજા અગાઉ પણ ગુના નોંધાયેલા છે. પોલીસે 4 લોકો વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ શહેરના વટવા વિસ્તારમાં આમીના મસ્જિદ પાસે આવેલા દરબાર નગરમાં વહીદાબા નું શેખ પોતાના પરિવાર સાથે રહે છે તેમની બાજુમાં આમન ઉર્ફે રાજા અસલમખાન પઠાણ પણ પરિવાર સાથે રહે છે. રાજા અને તેમના પરિવારના સભ્યો ઘરની આગળ આવેલી જગ્યામાં ઘરનો સામાન રાખવા બાબતે બોલાચાલી અને ઝઘડો કરતા હતા છેલ્લા કેટલાક દિવસથી ઘરની આગળની આવેલી જ ખુલ્લી જગ્યામાં લાકડા પડેલા હતા જે કોઈ વ્યક્તિ લઈ ગયું હતું. શનિવારે સવારના સમયે રાજા અને તેના પિતા અસલમખાન પઠાણ સહિત બીજા બે સભ્યો દુકાન પર જઈને લાકડા લઈ જવા બાબતે મહિદાબાનુના પતિ અને તેના પિયર સાથે બોલાચાલી કરી મારા મારી કરી હતી જેથી બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
હોસ્પિટલમાં હતા ત્યારે સાંજે વહીદા બાનુના પતિના મોબાઈલ પર પરિચિત નો ફોન આવ્યો હતો કે તમારી બાજુમાં રહેતા રાજા અને તેમના પિતા અસલમખાન પઠાણ તથા કુવા કાલુ અને હિના ચારેય જણા તમારું ઘર સળગાવવા માટે આવ્યા છે. રાજા તમારા ઘરની બહાર પડેલી બાઈક સળગાવી દીધી છે અને સળગતી વસ્તુ તમારા બંધ મકાનની જાળીમાં નાખતા ઘરમાં આગ લાગી છે. આ બાબતે સ્થાનિક લોકો દ્વારા પોલીસ અને ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી.
હોસ્પિટલથી ચારેય લોકો ઘરે આવ્યા હતા ત્યારે પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર હાજર હતી અને આગને કાબુમાં લઈ લીધી હતી. આગ લાગવાના કારણે ઘરમાં રહેલુ ફર્નિચર બળી ગયું હતું અને બે બાઈક પણ બળી ગઈ હતી. આ મામલે વટવા પોલીસ દ્વારા રાજા સહિત ચાર લોકો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

