રિપોર્ટ@રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિ.ના અધ્યાપક વિરુદ્ધ મહિલા આયોગમાં ફરિયાદ નોધાઇ

આક્ષેપ સાથેનો એક પત્ર મહિલા આયોગ સુધી પહોંચતા ખળભળાટ મચી ગયો છે.
 
રિપોર્ટ@રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિ.ના અધ્યાપક વિરુદ્ધ મહિલા આયોગમાં ફરિયાદ નોધાઇ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદમાં આવી છે. અર્થશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. સંજય પંડ્યા દ્વારા વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સાથે દ્વિઅર્થી ભાષામાં વાત કરવામાં આવતી હોવાની સાથે ચોક્કસ જ્ઞાતિના વિદ્યાર્થીઓને પરીક્ષામાં વધુ માર્કસ આપવામાં આવતા હોવાના આક્ષેપ સાથેનો એક પત્ર મહિલા આયોગ સુધી પહોંચતા ખળભળાટ મચી ગયો છે. જેમાં 5 વિદ્યાર્થિનીના નામ લખવામાં આવ્યા છે.

આ બાબતે મહિલા આયોગ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને તપાસ કરવા માટે આદેશ અપાયો છે. ત્યારે કુલપતિનું કહેવું છે કે, મહિલા આયોગ તરફથી મળેલા પત્ર બાબતે અર્થશાસ્ત્ર ભવનના અધ્યક્ષનો અભિપ્રાય માગવામાં આવ્યો છે. જેઓ પત્રની સત્યતા ચકાસ્યા પછી રિપોર્ટ આપશે અને ત્યાર પછી નિર્ણય લેવાશે.

જેમની સામે આક્ષેપો થયા છે તે આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. પંડ્યાએ જણાવ્યું હતું કે, મારા વિરુદ્ધના આક્ષેપો પાયાવિહોણા છે. કોઈ હિત શત્રુએ કાયદો અને કુદરતનો ડર રાખ્યા વિના આ કૃત્ય કર્યું છે. જોકે, યુનિવર્સિટીની તપાસ પૂર્ણ થયા બાદ આ પત્ર બાબતે પોલીસ ફરિયાદ કરવી કે કેમ? તે વિચારવામાં આવશે.