રિપોર્ટ@સુરત: મહિલા પાસેથી 7.5 લાખ પડાવનાર આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મહિલા પાસેથી 7.5 લાખ પડાવનાર આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો હતો. રાજસ્થાનના અજમેરમાં એક મહિલા પ્રોફેસર પાસેથી ડિજિટલ એરેસ્ટના નામે 7,50,000 પડાવી લેવામાં આવ્યા હતા. આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી હિતેશ પ્રવીણચંદ્ર ધોડીયાવાલાને સુરતના જહાંગીરપુરા વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો છે.
ડિજિટલ એરેસ્ટની મોડસ ઓપરેન્ડીરાજસ્થાનના અજમેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR મુજબ, 30-08-2025ના રોજ એક મહિલા પ્રોફેસરને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. કોલ કરનારે તેમને જણાવ્યું હતું કે, તેમના નામે એક સિમ કાર્ડ ઈશ્યુ થયું છે, જેનો ઉપયોગ સેક્સ્યુઅલ હેરેસમેન્ટના મેસેજ મોકલવામાં થયો છે. ત્યારબાદ, ઓનલાઇન વીડિયો કોલ કરીને પોતાની ઓળખ CBI ઓફિસર દયા નાયક તરીકે આપી હતી. આરોપીએ ધમકી આપી હતી કે, સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં તેઓ મુખ્ય આરોપી છે અને તેમને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવશે. આ ધમકીઓથી ડરીને મહિલા પ્રોફેસરે ઓનલાઇન 7,50,000 ટ્રાન્સફર કરી દીધા હતા.
અજમેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ દરમિયાન, આ ગુનામાં ઉપયોગમાં લેવાયેલું બેંક એકાઉન્ટ સુરતના હિતેશભાઈ પ્રવીણચંદ્ર ધોડીયાવાલાનું હોવાનું બહાર આવ્યું. આ માહિતી મળતા જ સુરત ક્રાઈમ બ્રાંચની વાહનચોરી સ્કોડની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે જહાંગીરપુરાના ડોક્ટર પાર્ક રોડ પરથી આરોપી હિતેશને ઝડપી પાડ્યો.
આરોપી હિતેશ ધોડીયાવાલા અગાઉ સ્ટોક માર્કેટનો ધંધો કરતો હતો. તેણે "ડી હાઈપર્સ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર"ના નામથી ઓફિસ પણ ખોલી હતી. આ ધંધામાં લોકોને 1.5 કરોડથી વધુનું નુકસાન થતાં અને પોતે પણ મોટા દેવામાં આવી જતાં, તે સાયબર માફિયાઓ સાથે જોડાઈ ગયો. તેણે ઓનલાઇન ઇન્સ્ટાગ્રામ મારફતે "રોકી" નામના એક ઈસમનો સંપર્ક કર્યો અને ઓનલાઇન ડિજિટલ એરેસ્ટ દ્વારા પૈસા પડાવતી ટોળકીમાં સામેલ થયો. તે અમદાવાદમાં ટોળકીના સભ્યોને રૂબરૂ મળ્યો હતો અને પોતાનું IndusInd Bankનું ખાતું તેમને આપ્યું હતું. આ માટે તેણે કમિશન પણ નક્કી કર્યું હતું.
માત્ર એક જ દિવસમાં 02-09-2025ના રોજ, તેના બેંક ખાતામાં દેશભરમાંથી 48,78,000થી વધુ રકમ ટ્રાન્સફર થઈ હતી. આ બેંક ખાતું ભાડે આપવાના બદલામાં તેને તેના વરાછા બેંક ખાતામાં 62,900નો નફો પણ મળ્યો હતો. તેના બેંક ખાતામાં થયેલા આ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન્સ અંગે દેશભરમાં કુલ 7 જેટલી ઓનલાઈન સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી છે, જેમાં પશ્ચિમ બંગાળ, કેરળ, મહારાષ્ટ્ર અને તેલંગાણાના કેસનો સમાવેશ થાય છે.
આરોપી હિતેશ વિરુદ્ધ કતારગામ પોલીસ સ્ટેશનમાં અગાઉ પ્રોહિબિશન એક્ટ હેઠળ પણ ગુનો નોંધાયેલો છે. હાલ, સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીને રાજસ્થાનના અજમેર સાયબર ક્રાઈમ પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.