રિપોર્ટ@નડિયાદ: પનીર ચિલીમાંથી મરેલો વંદો નીકળતા ગ્રાહક ચોંક્યો, 10 હજારના દંડ બાદ હોટલ સીલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ફરી એકવાર ખાવાની વસ્તુમાથી મરેલો વંદો નીકળ્યો હતો. પનીર ચિલીમાંથી મરેલો વંદો નીકળતા ગ્રાહકચોંક્યો હતો. નડિયાદ શહેરના વલ્લભનગર ચોકડી પાસે આવેલી જાણીતી હોટલ 'રવિન્દ્ર નાનકિંગ' પર ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા બદલ નડિયાદ નગરપાલિકાએ કડક પગલાં લીધા છે અને હોટલને સીલ મારી દીધું છે. એક ગ્રાહકે ઓર્ડર કરેલી પનીર ચીલીની વાનગીમાં મરેલો વંદો નીકળતા આ સમગ્ર બેદરકારીનો પર્દાફાશ થયો હતો, ત્યારબાદ તુરંત કોર્પોરેશનની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
ગ્રાહક દિવ્યેશ બ્રહ્મભટ્ટ દ્વારા આ હોટલમાંથી પનીર ચીલીનો ઓર્ડર પેક કરાવવામાં આવ્યો હતો. જ્યારે તેઓ ઘરે જઈને ઓર્ડર ખોલી રહ્યા હતા, ત્યારે તેમને વાનગીની અંદરથી મરેલો વંદો મળી આવ્યો હતો, જેના પગલે તેઓ ચોંકી ઉઠ્યા હતા. ગ્રાહક દ્વારા આ અંગે તુરંત નગરપાલિકામાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ગ્રાહકની ફરિયાદ મળતાની સાથે જ નડિયાદ નગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ અને સેનેટરી ઇન્સ્પેક્ટર સ્થળ પર દોડી ગયા હતા. ટીમે હોટલના રસોડા અને અન્ય વિસ્તારોની ઝીણવટભરી તપાસ કરી હતી. તપાસ દરમિયાન તેમને માત્ર વાનગીમાં વંદો જ નહીં, પરંતુ રસોડામાં પણ અતિશય ગંદકી અને અસ્વચ્છતા જોવા મળી હતી, જે ગંભીર સ્વાસ્થ્ય જોખમ તરફ ઈશારો કરતી હતી.
ગ્રાહક દિવ્યેશભાઈ બ્રહ્મભટ્ટે સમગ્ર ઘટનાની વિગતો આપતા જણાવ્યું હતું કે, અમે રવિન્દ્ર નાનકિંગ હોટલમાંથી ચાઈનીઝ વાનગીનો ઓર્ડર મંગાવ્યો હતો. જ્યારે અમે ઓર્ડર કરેલું આ પાર્સલ ઘરે જઈને ખોલ્યું, ત્યારે વાનગીની અંદરથી મરેલો વંદો મળી આવ્યો હતો. દિવ્યેશભાઈએ સમય બગાડ્યા વિના સેનેટરી ઇન્સ્પેક્ટરનો સંપર્ક સાધ્યો હતો અને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.
આ અંગે નડિયાદ મનપાના ચીફ સેનેટરી ઇન્સ્પેકટર મયંક દેસાઈએ જણાવ્યું હતું કે, ગ્રાહકના ઓર્ડરમાંથી વંદો મળી આવ્યો હતો અને પ્રાથમિક તપાસમાં હોટલમાં મોટા પ્રમાણમાં ગંદકી પણ જોવા મળી હતી, જે ફૂડ સેફ્ટી અને સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન છે. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારી આવી બેદરકારીને બિલકુલ સહન કરવામાં આવશે નહીં. ગ્રાહકના ઓર્ડરમાંથી વંદો નીકળવા અને હોટલમાં ગંભીર ગંદકી મળી આવવાના કારણે કોર્પોરેશનની ટીમે તુરંત કાર્યવાહી કરીને 'રવિન્દ્ર નાનકિંગ' હોટલને સીલ મારી દીધું છે. આ ઉપરાંત હોટલને 10 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.
આ બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારી પિયુષ પ્રજાપતિનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, અમે દર મહિને જિલ્લાની વિવિધ હોટલોમાં ચેકીંગ કરતા હોઈએ છીએ, પરંતુ આવી ઘટના સામે આવે ત્યારે જેતે હોટલ માલિક સામે કાર્યવાહી કરવામાં આવે છે. જેથી આગામી સમયમાં જિલ્લાની કોઈપણ હોટલ માલિક આવી બેદરકારી દાખવે નહી.