રીપોર્ટ@દાહોદ: કૌભાંડી કાળું ધોળુંની મોડસ ઓપરેન્ડી, બીજાની એજન્સીઓ ઉપર ગેરરીતિ કરવાની

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
દાહોદ જિલ્લામાં સૌથી વધુ અને બીજા જિલ્લાઓમાં પણ ઉંડો પગપેસારો કરી ગયેલી કાળું ધોળુંની વેપારી જોડીની સૌથી મોટી મોડસ ઓપરેન્ડી જાણમાં આવી છે. કામો લેવા સેટિંગ માટે દોડવાનું એટલે બધી જગ્યાએ ચહેરા નજરે ચડી જાય અને ભવિષ્યમાં કૌભાંડ બહાર આવે તો ચાલાકીથી બચી જવા પારકા ખભે બંદૂક ફોડે છે. એટલે કે ગેરરીતિ કરવા પારકાની એજન્સીઓ લેવાની અને ટકાવારી આપી કૌભાંડનો ધંધો કરી લેવાનો. વિવાદ કે તપાસ થાય તો નામ પણ ના આવે અને એજન્સીઓ પણ બદલતાં રહેવાની. આવી મોડસ ઓપરેન્ડી હેઠળ કાળું ધોળુંની વેપારી જોડીએ દાહોદ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, કચ્છ સહિતના અનેક જિલ્લાઓમાં કૌભાંડનો કાળો કેર કર્યો છે. જાણીએ સમગ્ર અહેવાલ.
ભરૂચ અને નર્મદા જિલ્લામાં કાળું ધોળુંની વેપારી જોડીએ કરેલ કૌભાંડની તપાસમાં ભલે કાગળ ઉપર ગમે તે એજન્સીઓ રડારમાં આવે પરંતુ અસલી સૂત્રધાર આ જોડી જ છે. ચોંકાવનારી માહિતી આવી છે કે, કાળું ધોળુંની વેપારી જોડી જિલ્લાઓમાં આવતાં કરોડોના કામો લેવા સેટિંગ કરવા દોડધામ કરે છે અને કામોમાં ભયંકર ગેરરીતિ કરવા એજન્સીઓ ભાડે રાખે છે. આ એજન્સીઓના પ્રોપ્રાઈટર જુઓ તો તેમને કોઈ લેવાદેવા ના હોય અને બધો કાળો કારોબાર આ કાળું ધોળુંની જોડી કરે છે. શરૂઆતથી જ ખબર હોય કે, કૌભાંડ જ કરવાનું છે, કોઈ સારૂં બ્રાન્ડ નેમ તો બનાવવાનું નથી એટલે પારકા ખભે બંદૂક રાખી ગમે તે એજન્સીઓના નામે વેપાર કરે છે. આ કાળું ધોળુંની વેપારી જોડીએ અત્યાર સુધી અબજો રૂપિયાના વેપાર નીતનવી એજન્સીઓના નામે કરી લીધા છે. વાંચો નીચેના ફકરામાં તેમની અસલી કરમ કુંડળી.
આજથી 10-12 વર્ષ પહેલાં કાળું આંતરરાજ્ય ગેરકાયદે હેરાફેરી કરી/કરાવી પેટીયું રળતો હતો પરંતુ જ્યારથી કોઈ ગુરૂએ ટેન્ડરનું શિખવાડ્યું ત્યાર પછી કાળુંએ પાછું વળીને જોયું નથી. આ કાળુંએ અત્યાર સુધી જેટલા પણ ટેન્ડર વાળા વેપાર કર્યા તેમાં જો પારદર્શક કર્યા હોય તો માંડ થોડું ભેગું થયું હોય પરંતુ તમામ કામોમાં ભયંકર હદે કૌભાંડ કર્યું હોવાથી આજે કરોડોના આસામી છે. આ તરફ ધોળું વિશે પણ જે માહિતી મળી તેમાં ધોળુંકાકા નાની મોટી દુકાનમાં નોકરી કરતાં પરંતુ કોઈ ગુરુએ ટેન્ડરનુ શિખવાડ્યું એટલે જોતજોતામાં કરોડોના આસામી બની બેઠા છે. આ બંને ઈસમોએ એવું એકપણ કામ નથી કર્યું જેમાં ભ્રષ્ટાચારની બદબૂ ના આવે. એટલે સુધી કે, ટકાવારી, ખવડાવવા, રાજી કરવા, ફોસલાવવા, ભ્રષ્ટાચારી ભલામણ કરાવવી આ બધામાં માસ્ટરી હોવાથી અનેક જિલ્લાઓમાં કૌભાંડનો કાળો કેર વેર્યો છે. વાંચો નીચેના ફકરામાં કેવી રીતે સરકાર ધારે તો રિકવરી પણ કરી શકે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, કાળું ધોળુંની વેપારી જોડીએ ગુજરાતના પાંચથી વધુ જિલ્લાઓમાં અત્યાર સુધી અબજો રૂપિયાના કામો કરી લીધા છે. ભ્રષ્ટાચારી ભયંકર દુર્ગંધ વાળા આ કામો અલગ અલગ એજન્સીઓના નામે કર્યા છે ત્યારે સરકાર આ બંને ઈસમોના સરકારી કચેરીઓમાં કામો લેવાના આંટાફેરા, ભલામણપત્રો, ફોનકોલ, હકીકતલક્ષી આવક સામે ઉભી કરેલી આવક સહિતની ધોરણસરની તપાસ કરે તો ઈડીના જાંબાઝ ઓફીસરોને બોલાવવા પડે. નાના કામોને બદલે મસમોટી રકમના અને તેમાં પણ મટીરીયલ કામોની પણ જો ઉંડાણપૂર્વકની તપાસ થાય ત્યારે એજન્સીઓના પ્રોપ્રાઈટરોને બોલાવવામાં આવે તો નાછૂટકે આ કાળું ધોળુંની વેપારી જોડીએ આવવું પડે તેમ છે. કેમ કે નામ માત્રાના પ્રોપ્રાઈટરો હકીકતમાં આ કૌભાંડના વેપાર વિશે કંઈજ જાણતાં નથી પરંતુ તપાસમાં જો તેઓનું નામ આવે તો અંદરોઅંદરના ઝઘડામાં છૂપા કૌભાંડીઓને જવાબ કરવા, બચવા ચહેરા ખોલી બહાર આવવું પડે તેમ છે.
નકલી કચેરી કૌભાંડમાં પણ કાળુંની ભૂંડી ભૂમિકા??
કાળું ધોળુંની વેપારી જોડીના કૌભાંડોની બૂમાબૂમ દાહોદથી માંડી ભરૂચ અને ત્યાંથી સમગ્ર પટ્ટીમાં છે ત્યારે એવી પણ ચર્ચા થઈ રહી છે કે, નકલી કચેરીમાં કેમ કૌભાંડી કાળું બચી ગયા? આ ચર્ચા એટલા માટે ઉભી થઇ કે, દાહોદના નકલી કચેરીના કૌભાંડમાં અસલી અધિકારીઓ અને નકલી કર્મચારીઓ વચ્ચે મુલાકાત, બેઠક, ચર્ચા, પત્રવ્યવહાર કરવા/કરાવવામાં આ કાળુંની ભૂમિકા ઓછી નહોતી. જો અસલી અને નકલીવાળાના ફોનકોલ તપાસવામાં આવે કે ઉંડાણપૂર્વક જોવામાં આવે તો આ કાળુંની ટકાવારી પણ ભરપૂર હોવાની લોકચર્ચા છે.