રિપોર્ટ@ડીસા: નગરપાલિકાની કચરાની ગાડીમાં આકસ્મિક આગ લાગતા દોડધામ મચી

આગ પર કાબૂ મેળવ્યો

 
રિપોર્ટ@ડીસા: નગરપાલિકાની કચરાની ગાડીમાં આકસ્મિક આગ લાગતા દોડધામ મચી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં આગ લાગવાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે.  ડીસામાં હાઇવે પર આજે નગરપાલિકાની કચરાની ગાડીમાં આકસ્મિક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. સદનસીબે આજુબાજુના લોકોએ તરત જ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવતા જાનહાની ટળી હતી.

ડીસામાં હાઇવે પર આજે નગરપાલિકાની કચરાની ગાડીમાં આકસ્મિક આગ લાગી હતી. શહેરમાં ડોર ટુ ડોર કચરો કલેક્શન કરતી ગાડી સોસાયટીઓમાંથી કચરો એકઠો કરી હાઇવે પરથી પસાર થઈ રહી હતી. તે સમયે અચાનક ગાડીમાં આગ ભભુકી ઉઠી હતી. ઘટનાને પગલે ગાડીનો ચાલક સમય સૂચકતા વાપરી તરત જ ગાડીમાંથી બહાર નીકળી ગયો હતો.

ગાડીમાં આગ લાગી હોવાની જાણ થતા જ આજુબાજુમાંથી પણ લોકો દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગની ઘટનામાં ગાડીનો અડધો ભાગ બળીને ખાક થઈ ગયો હતો.