રિપોર્ટ@ભુજ: ભેદી બીમારીથી 4 દિવસમાં 12ના મોત, આરોગ્યમંત્રીએ કહ્યું- 'કારણ જાણવા નિષ્ણાંતોની ટીમ મોકલી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભેદી બીમારીથી 4 દિવસમાં 12ના મોત નીપજ્યા. ચાંદીપુરા બાદ હવે રાજ્યમાં એક ભેદી બીમારી માથું ઉંચકવા લાગી છે. કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં છેલ્લા ચાર દિવસ દરમિયાન 12 જેટલા લોકોના શંકાસ્પદ મોત થતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. લોકોના શંકાસ્પદ મોતનો સિલસિલો યથાવત રહેતા રાજ્યના અલગ અલગ શહેરમાંથી નિષ્ણાંત તબીબોની ટીમ કચ્છ મોકલવામાં આવી છે અને બે દિવસમાં જ સમગ્ર મામલાની તપાસ કરી રિપોર્ટ સુપરત કરવા આદેશ કરાયો છે.બે સગા ભાઈ સહિત 12 લોકોના શંકાસ્પદ મોત થયા બાદ તંત્ર દ્વારા જરુરી સેમ્પલ લઈ મોતનું કારણ જાણવા તપાસ કરવામાં આવી રહી છે. જે 12 લોકોના મોત નિપજ્યા છે તેમાં બાળકોથી લઈ વૃદ્ધનો સમાવેશ થાય છે.
પાંધરો બેઠકના કોંગ્રેસ પક્ષના જિલ્લા પંચાયતના સદસ્ય મીનાબા દશુભા જાડેજાએ ચાર પાંચ દિવસમાં જે 12 લોકોના શંકાસ્પદ મોત નિપજ્યા છે તેમના નામ સાથેની રજૂઆત કરી છે. આ બાબતે મીનાબા જાડેજાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેમના પતિ દશુભા જાડેજાએ કહ્યું હતું કે, લખપતના ભેખડા ગામે સગા બે ભાઈના તાવમાં મૃત્યુ થવા સહિત અત્યાર સુધીમાં 12 જેટલા લોકોના શંકાસ્પદ તાવથી મૃત્યુ થયા છે. હાલ કોંગ્રેસ આગેવાનો સાથે લખપત અને અબડાસા તાલુકાના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ પરિસ્થિતિ જાણવા અને અને આ માટે લોકોને તંત્રની યોગ્ય સારવાર મળી રહે તે હેતુ મદદના પ્રયાસ કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આરોગ્ય વિભાગની બે એમ્બ્યુલન્સ મારફતે સર્વે બાદ પ્રાથમિક સારવાર કરાઈ રહી છે જે પૂરતી નથી. મૃત્યુઆંક અટકાવવા લોકોને યોગ્ય સારવાર મળી રહે તે જરૂરી છે. લખપત સીએચસીમાં માત્ર એક તબીબ 120ની ઓપીડી સંભાળી રહ્યા છે.
કલેકટર લખપત તાલુકામાં તાવમાં થઈ રહેલા મૃત્યુ અંગે કચ્છના કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, બનાવ અંગે આરોગ્ય વિભાગની 22 જેટલી ટીમ દ્વારા સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે. સીએચસી મંગવાના અને દયાપરમાં વધારાના ડોક્ટર મુકવામાં આવ્યા છે. હાલ ઘડી કોઈ રોગચાળો ફાટી નીકળ્યો હોય તેવું જણાયું નથી. ભેખડા ગામે જે બાળકોના મૃત્યુ થયા છે તેમાં શરદી, ઉધરસ થઈ હોવાનું માલુમ પડ્યું છે, જે જત જ્ઞાતિના બાળકોને જ થયા છે. આ અંગે પશુ સંલગ્નતા અંગેની તપાસ અંતર્ગત સ્વાઇન ફલૂ, કોંગો ફીવર અને ડેંગ્યુના નિરીક્ષણ માટે બ્લડ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. તેમાં હાલ તો ન્યુમોનિયાની અસર તળે મૃત્યુ થયા હોવાનું જણાયું છે. તેમ છતાં ભેખડા અને આસપાસના સંધરો વાંઢ, ભારા વાંઢ સહિતના ગામોમાં પરિવારના સભ્યોના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સાથે રાજ્ય આરોગ્ય વિભાગ સાથે સતત સંકલનમાં છીએ. તેમજ રાજકોટની રેપીડ રિસ્પોસ ટીમ પણ લખપત જવા માટે પહોંચી રહી છે. તેમજ ગાંધીનગરથી પણ ટીમ તપાસ માટે આવી રહી છે.
રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે આ મામલે કહ્યું હતું કે, કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં છેલ્લા 4 દિવસમાં જે 12 મૃત્યુ નોંધાયા છે તે મૃત્યુઓના કારણ જાણવા આરોગ્ય વિભાગ તરફથી રાજકોટ અને અદાણી મેડિકલ કોલેજના સ્ત્રી રોગ, બાળ રોગ સહિતના વિવિધ રોગના નિષ્ણાતોની ટીમ ત્યાં જઈ સર્વેલન્સની કામગીરી હાથ ધરી માહિતી મેળવશે. માહિતી જાણી બે દિવસમાં રિપોર્ટ તૈયાર કરવાની છે. રિપોર્ટના આધારે મૃત્યુના કારણ જાણી શકાશે અને ત્યારબાદ 12 લોકોના મૃત્યુ કેમ થયા તે અંગેનું સંજ્ઞાન લઈ આગામી સમયમાં લોકોના મૃત્યુ ના થાય અને માટેના લક્ષણો દેખાય તો રાજ્ય સરકાર ચોક્કસથી તે માટેની કામગીરી કરશે અને આરોગ્ય વિભાગ જરૂરી માહિતી લઈ અસરગ્રસ્ત વિસ્તારોમાં એ બાબતની કામગીરી કરશે.
આ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ પણ લખપત તાલુકામાં તાવથી થઈ રહેલા મૃત્યુ અંગે પ્રતિક્રિયા જાહેર કરી હતી, જેમાં તેઓએ જણાવ્યું કે, જિલ્લાની છેવાડે આવેલા લખપત તાલુકામાં શંકાસ્પદ ન્યુમોનિયામાં 12-12 લોકોના મૃત્યુ થયા છે તેમ છતાં સરકાર હજુ સુધી મૃત્યુના કારણ બહાર લાવી શકી નથી. આ મામલે તાત્કાલિક અસરથી તપાસ થવી જોઈએ. જિલ્લા મથક ભુજથી 100 કિલોમીટર દૂર લખપત તાલુકામાં આરોગ્ય સેવા દુરસ્ત કરવી જોઈએ. હાલ માત્ર એક તબીબ દ્વારા દર્દીઓની સારવાર કરાઈ રહી છે ત્યાં વધારાના તબીબો મૂકવા જોઈએ. અસરગ્રસ્ત લોકોને આઇસોલેશનમાં રાખી બિમારીનું નિવારણ લાવે તેવી સરકારને વિન્નતી કરી હતી.
સ્થાનિકે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ભેદી તાવના પગલે લખપત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી સાથે લોકોના આરોગ્યની પણ તપાસણી કરવામાં આવી રહી છે. બેખડા, સાંધ્રોવાંઢ, મોરગર સહિતના ગામોમાં પણ ટીમ દ્વારા સર્વે અને બ્લડ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે.
આ અંગે અબડાસા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું હતું કે, અત્યારે લખપત અને અબડાસા તાલુકામાં વરસાદ બાદ જે લોકોના મરણ થયા છે તે દુઃખદ અને ગંભીર કહેવાય તેનું દુઃખ છે પરંતુ આ કોઈ રોગચાળો કે વાયરસથી મરણ થયા હોય એવું નથી. આ અલગ અલગ બીમારીના કારણે મરણ થયા છે, તેમાં કોઈ તાવના તો કોઈ કેન્સરના લીધે મરણ થયા હોવાની જાણકારી મળી છે. તેમ છતાં આ મામલે પ્રાંત સાથે, કલેકટર સાથે અને આરોગ્ય વિભાગ સાથે બેઠક કરી તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં આ મૃત્યુ અલગ અલગ બીમારીમાં થયા છે તેમાં કોઈની બેરકરદારી નથી. રાજ્યના મંત્રીએ પણ અહીં આરોગ્યની ટીમ મોકલી છે. છતાં તપાસ થઈ રહી છે.