રિપોર્ટ@રાજકોટ: ડમ્પરે એક વૃદ્ધ વ્યક્તિને હડફેટે લેતા તેમનું મોત નીપજ્યું

આ અકસ્માતમાં આધેડને હાથ, છાતી અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પહોંચી હતી.
 
રિપોર્ટ@રાજકોટ: ડમ્પરે એક વૃદ્ધ વ્યક્તિને હડફેટે લેતા તેમનું મોત નીપજ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજકોટ શહેરમાથી ફરી એકવાર અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે. રાજકોટના વીંછિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક માર્ગ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજયું હતું. જેમાં મોટામાત્રા ગામની ચોકડી પાસે બનેલી આ ઘટનામાં, બેફિકરાઈથી ચલાવાયેલા એક ડમ્પરે એક વૃદ્ધ વ્યક્તિને હડફેટે લેતા તેમનું મોત નીપજ્યું હતું.

આ ઘટનામાં ફરિયાદી અરવિંદભાઈ રોજાસરા દ્વારા વીંછિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના પિતા લખમણભાઈ રોજાસરા સાંજે આશરે 5:15 વાગ્યે મોટામાત્રા ગામની ચોકડી પાસે વશરામભાઈ તલસાણીયાની હોટલે ચા પી રહ્યા હતા, તેમના હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ પાસે ઊભા હતા.

આ સમયે, ઓરી ગામ તરફથી આવતા ડમ્પરના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી તથા માનવજીવન જોખમાય તે રીતે ચલાવીને લખમણભાઈને ગંભીર રીતે હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં લખમણભાઈને હાથ, છાતી અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ ઈજાગ્રસ્ત લખમણભાઈને તાત્કાલિક વીંછિયા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે તેમને રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા, પરંતુ રસ્તામાં તેમની તબિયત વધુ લથડતા તેમને જસદણ સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા.

જસદણ ખાતે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અકસ્માત સર્જાયા બાદ ડમ્પરનો ચાલક પોતાનું વાહન સ્થળ પર જ છોડીને ફરાર થઈ ગયો હતો. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને ડમ્પર ચાલકને ઝડપી પાડવા અને આ ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.