રિપોર્ટ@અરવલ્લી: ભારે વરસાદના કારણે ધોધના મનમોહક દૃશ્યો જોવા મળ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદના કારણે કેટલાક ધોધ વહેતા થયા છે. ગુજરાતનાં વિવિધ જંગલો અને પહાડી પ્રદેશોમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે. પ્રવાસીઓ પ્રકૃતિને માણવા રાજ્યના જુદા-જુદા વિસ્તારોનાં ઝરણાં અને ધોધ પર પહોંચી રહ્યા છે. ત્યારે અરવલ્લીના ભિલોડા પાસે આવેલા સુનસર ગામે મીની કાશ્મીર તરીકે ઓળખાતો ધોધ જીવંત થયો છે. જેના મનમોહક દૃશ્યો સામે આવ્યા છે.
ચોમાસાની શરૂઆત થતાની સાથે જ ડુંગરો પર વનરાજી ખીલી ઉઠે છે અને નદીનાળા છલકાવાથી આહલાદક દૃશ્યો જોવા મળતા હોય છે. ત્યારે ભીલોડા પાસે આવેલા સુનસર ગામે ધરતી માતાના મંદિર પાસે આવેલા ડુંગર પરથી દર ચોમાસે વધારે વરસાદ આવે ત્યારે ધોધ વહે છે. વહેલી સવારથી ભિલોડા અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો હતો. જેથી સુનસર પાસે આવેલા ડુંગર પરથી ઘોધ વહેવા લાગ્યો છે.
આ ધોધને મીની કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે. દૂર દૂરથી સહેલાણીઓ ધોધનો નજારો માણવા માટે ઉમટી પડતા હોય છે. ધરતી માતાના મંદિર નજીક વહેતા ધોધનું ધાર્મિક મહત્વ પણ રહેલું છે. જો કે તંત્ર દ્વારા આટલી ઊંચાઈથી ધોધ વહે છે. ત્યારે સહેલાણીઓને ચેતવણી માટેના કોઈ બોર્ડ કે અન્ય કોઈ વ્યવસ્થા નથી.