રીપોર્ટ@રાજકોટ: મારામારી કરતા માથાભારે તત્વો, ઉપરાંત ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માંગ


રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષકને રજુઆત કરાઈ
 
રીપોર્ટ@રાજકોટ: મારામારી કરતા માથાભારે તત્વો, ઉપરાંત ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માંગ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

જામકંડોરણાના સોડવદર ગામમાં અવાર-નવાર માથાકૂટ કરી મારામારી કરતા માથાભારે તત્વો, ઉપરાંત ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. ઘાતક હથિયારોથી હુમલા કરતા, દારૂનો ગેરકાયદે વેપલો કરતા, ગૌચર - ખરાબાની જમીન કબ્જે કરતા અને ચેક ડેમમાંથી કાંપ કાઢતા ખેડૂતોને રંઝાડતા લોકો સામે સ્થાનિક પોલીસનું કૂણુ વલણ હોય, રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષકને રજુઆત કરાઈ હતી.

સોડવદર ગામના ગ્રામજનો આજે રાજકોટ એસપી કચેરીએ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવી માથાભારે તત્વોના ત્રાસથી છુટકારો અપાવવા માંગ કરી હતી. જો કાર્યવાહી નહીં થાય તો ગૃહમંત્રી સુધી રજુઆત કરવા ચીમકી અપાઈ છે.

ઉલ્લેખનીય છે કે, તા.25/10/2023ના રોજ સોડવદર ગામમાં સરપંચની ચૂંટણી મામલે થયેલ ઝઘડાનો ખાર રાખી અતુલભાઇ છગનભાઇ આલોદરીયા(ઉ.વ.57) ઉપર છ શખ્સોએ ધારીયા પાઈપથી હિંચકારો હુમલો કર્યો હતો. જેમાં તેના બે હાથ અને પગમાં ફેક્ચર થયું હતું. આ અંગે તા.તા.25/10ના રોજ જામકંડોરણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પણ તેમાં યોગ્ય કલમો ન લખાઈ હોવાનો આક્ષેપ છે. આરોપી તરીકે લખધીરસિંહ દીલુભા જાડેજા, જયેન્દ્રસિંહ દીલુભા જાડેજા, મહીપાલસિંહ વનરાજસિંહ જાડેજા, હરવિજયસિંહ જયદેવસિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ દીલુભા જાડેજા, જયદેવસિંહ ખેંગારસિંહ જાડેજાનું નામ આપ્યું છે.

આ બનાવ બાદ ગ્રામજનો અને ઇજાગ્રસ્તના કુટુંબીજનોએ વિરોધ નોંધાવતા એસપીને રજુઆત કરી હતી કે, આરોપી તત્વો અવાર નવાર માથાકૂટ, ઝઘડા, બોલાચાલી કરે છે. ઉપરાંત ગામમાં દારૂનો ધંધો પણ કરે છે, આ તત્વોનો એવો ત્રાસ છે કે, ગૌચર - ખરાબાની જમીન કબ્જે કરી લીધી છે. ચેક ડેમમાંથી કાયદેસર રીતે દર વર્ષે ખેડૂતો કાંપ કાઢતા હોય છે. આરોપીઓ ખેડૂતોને પણ કાંપ ન કાઢવા દઈ ખોટી રીતે રંઝાડે છે. અગાઉ આવા કિસ્સા બનેલા છે. સ્થાનિક જામકંડોરણા પોલીસને આ બાબતની તમામ હકીકતની જાણ છે પણ આ તત્વોને છાવરી કોઈ કડક પગલાં લેવાતા નથી. જેથી આ તત્વો સામે કાયદેસર કાર્યવાહી કરી આવા તત્વોથી ગ્રામજનોને કાયમી છુટકારો અપાવી ન્યાય અપાવે તેવી માંગ કરી હતી.