રિપોર્ટ@રાજકોટ: રૂપાલાના પૂતળા દહનમાં 3 આરોપીની પોલીસે ધરપકડ કરી

ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી.
 
 રિપોર્ટ@રાજકોટ: રૂપાલાના પૂતળા દહનમાં 3 આરોપીની પોલીસે ધરપકડ કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં વિરોધની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે.  રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રાજા-રજવાડાં અને રાજપૂત મહિલાઓ માટે કરેલા નિવેદનનો ઉગ્ર વિરોધ આક્રમક થઈ રહ્યો છે. રૂપાલા સામે રાજ્યભરમાં દેખાવો થઈ રહ્યા છે. શનિવારે રાજકોટના રેલનગરમાં ક્ષત્રિય સમાજના ભાઈ-બહેનોએ રૂપાલાના પૂતળાનું દહન કર્યું હતું.

દેખાવને પગલે પ્રદ્યુમ્ન નગર પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે તત્કાલીન સમયે કોઈ કાર્યવાહી કરી નહોતી પરંતુ રાત્રે 11 વાગ્યે નરેન્દ્રસિંહ લાખુભા જાડેજા, મહેન્દ્રસિંહ ઉર્ફે મેંદુભા ભીમદેવસિંહ પરમાર અને નવલસિંહ અજિતસિંહ જાડેજાને ઉઠાવી લીધા હતા. રાત્રે જ કોન્સ્ટેબલ તુલસીભાઈ જાદવભાઈ ચુડાસમાની ફરિયાદ પરથી ઉપરોક્ત ત્રણેય યુવક સામે પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટની કલમ તેમજ કાવતરા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી.


ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, પૂતળા દહનને કારણે રોડનો ડામર ઓગળવાથી પબ્લિક પ્રોપર્ટીને નુકસાન થયું હતું. પૂતળા દહનની અવારનવાર બનતી ઘટનામાં પોલીસ જેતે સમયે કેટલાક લોકોની સ્થળ પરથી અટકાયત કરીને તેને પોલીસ સ્ટેશને લઈ જઈ ગણતરીની કલાકોમાં છોડી દે છે, પરંતુ આ કિસ્સામાં પોલીસે પબ્લિક પ્રોપર્ટી ડેમેજ અને કાવતરા સહિતની કલમ હેઠળ કાર્યવાહી કરતા પોલીસ સ્ટેશનમાંથી આરોપીઓને જામીન મુક્ત કરવાની સંભાવના રહી નહોતી.

આ અંગેની જાણ થતાં રવિવારે સવારે ક્ષત્રિય સમાજના ભાઇઓ બહેનો મોટી સંખ્યામાં પ્ર.નગર પોલીસ સ્ટેશને દોડી ગયા હતા અને પોલીસ રાજકીય ઇશારે કામગીરી કરી રહ્યાનો આક્ષેપ કર્યો હતો. મામલો ઉગ્ર બન્યો હતો અને ટોળું પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યું હતું જ્યાં ડીસીપી ડૉ. સુધીર દેસાઇ સમક્ષ વિસ્તૃત રજૂઆત કરી હતી.

અંતે પોલીસે પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ તેમજ આઇપીસી 435ની કલમ રદ કરવાનો કોર્ટમાં રિપોર્ટ કરી ત્રણેય આરોપીને જામીન મુક્ત કર્યા હતા. જોકે સમગ્ર મામલામાં પોલીસની કાર્યવાહીને પોલીસને શંકાના ઘેરામાં લાવી દીધી હતી.