રિપોર્ટ@જામનગર: ખેડૂતોને કપાસના રૂ. 1550 અને મગફળીના રૂ. 1300 સુધીના ભાવ મળ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ખેડૂતો પોતાનો પાક વેચવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં કાલાવડ APMC પહોંચ્યા હતા. મગફળી અને કપાસના સારા ભાવ મળતા ખેડૂતોની દિવાળી સુધરી છે.જામનગર હાઇવે પર આવેલા આ માર્કેટિંગ યાર્ડમાં વાવડી રોડથી જામનગર રોડ સુધી એક કિલોમીટર લાંબી વાહનોની કતાર જોવા મળી હતી. આ વાહનોમાં મગફળી, કપાસ, અડદ સહિતની વિવિધ જણસી ભરેલી હતી.
કાલાવડ APMCમાં કપાસના પ્રતિ મણનો ભાવ રૂ. 1100થી લઈ રૂ. 1550 સુધીનો મળી રહ્યો છે. જ્યારે મગફળીનો મણનો ભાવ રૂ.800થી લઈ 1300 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે. સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ખેડૂતોની દિવાળી સુધરી ગઈ છે.
કાલાવડ માર્કેટયાર્ડમાં ગત વર્ષે મગફળીનો 800થી લઈ 1270 સુધીના ભાવો ખેડૂતોને મળ્યા હતા. જ્યારે કપાસના 1300થી લઈ 1595 સુધી ભાવ મળ્યા હતા. ગત વર્ષની તુલનામાં આ વર્ષે પણ ભાવમાં ખાસ કોઈ વધુ ફરક જોવા મળ્યો નથી.
માર્કેટયાર્ડમાં ખેડૂતોને કોઈ અગવડતા ન પડે તે માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જમવા માટે માર્કેટિંગ યાર્ડની અંદર જ કેન્ટીંગ છે. તેમજ પીવા માટે ઠંડા પાણીના કુલરની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો વાહનોની લાંબી કતાર લગાવીને બેઠા છે. ત્યારે માર્કેટિંગ યાર્ડ દ્વારા રજીસ્ટ્રેશનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. નોંધણી કરાવેલા વાહનોને તે મુજબ માર્કેટિંગ યાર્ડની અંદર પ્રવેશ કરાવવામાં આવે છે. જેથી કોઈ અવ્યવસ્થા ન સર્જાઈ અને ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે.