રિપોર્ટ@દમણ: બાલકનીમાંથી અચાનક પિતા અને પુત્રી નીચે પટકાયા,1નું મોત

પુત્રીને માથા અને પગમાં ગંભીર ઇજા થતા સારવાર શરૂ કરાઇ હતી.
 
રિપોર્ટ@દમણ: બાલકનીમાંથી અચાનક પિતા અને પુત્રી નીચે પટકાયા,1નું મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દમણમાથી ભયાનક દુર્ઘટના સામે આવી છે. દમણના દલવાડા ખાતે આવેલ એક બિલ્ડિંગના બાલકનીમાંથી પિતા અને પુત્રી નીચે પટકાયા હતા. જેમાં બંનેને હોસ્પિટલમાં લઇ જતા ફરજ પર હાજર તબીબે પિતાને મૃત જાહેર કર્યો હતો. પુત્રીને માથા અને પગમાં ગંભીર ઇજા થતા સારવાર શરૂ કરાઇ હતી.

સંઘપ્રદેશ દમણના દલવાડા મુખ્ય માર્ગ પર આવેલ જગદીશભાઇની બિલ્ડિંગમાં બીજા માળે રહેતા અને પોલીટેક કંપનીમાં નોકરી કરતા 35 વર્ષીય અંશુ પાંડે શુક્રવારે રાત્રે 8.30 કલાકે 7 વર્ષની પુત્રી સીટુ પાંડે સાથે બાલકનીમાં બેસેલા હતા.

તે દરમિયાન અચાનક બંને બીજા માળથી નીચે પટકાયા હતા. ઘટનાને જોઇ પત્ની અને અન્ય ફ્લેટધારકો નીચે ભાગ્યા હતા અને બંનેને મોટી દમણની હોસ્પિટલમાં ખસેડતા ફરજ પર હાજર તબીબે પિતા અંશુ પાંડેને માથાના ભાગે ગંભીર ઇજાથી મૃત જાહેર કર્યો હતો. જ્યારે પુત્રીને માથામાં અને પગમાં ફ્રેક્ચર હોવાનું જણાવી સારવાર શરૂ કરાઇ હતી. બનાવની જાણ થતા દમણ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઇ હતી.