રિપોર્ટ@ગાંધીનગર: સિવિલમાં 2 બાળકોના ચાંદીપુરા વાયરસના પોઝિટિવ, અત્યાર સુધીમાં 3 બાળકોના મોત, જાણો વધુ વિગતે

રાજ્યમાં અત્યાર સુધીમાં 3 બાળકોના મોત

 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગાંધીનગર સિવિલમાં 2 બાળકોના ચાંદીપુરા વાયરસના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ડોર-ટુ-ડોર સર્વે શરૂ. રાજ્યમાં અત્યાર સુધીમાં 3 બાળકોના મોત.ગુજરાતમાં ચોમાસાના પ્રારંભની સાથે જ એક અત્યંત ડરામણા વાયરસની એન્ટ્રી થતાં આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. ગાંધીનગરની સિવિલ હોસ્પિટલના ખાસ બાળકોના વોર્ડમાં શંકાસ્પદ લક્ષણો સાથે સારવાર મેળવી રહેલા ખેડા -સાબરકાંઠાના બે માસૂમ બાળકોના લેબોરેટરી રિપોર્ટ પોઝિટિવ આવતા ચાંદીપુરા વાયરસની સત્તાવાર પુષ્ટિ થઈ છે. આ કેસ સામે આવતાની સાથે જ રાજ્ય આરોગ્ય વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. મહત્વનું છે કે, રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કારણે અત્યાર સુધીમાં ત્રણબાળકોના મોત થઈ ચૂક્યા છે.

આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના એક ગામના 1 વર્ષના બાળકને અને સાબરકાંઠા ના કઠલાલ તાલુકાના અન્ય એક ગામના 4 વર્ષના બાળકને અચાનક તેજ તાવ આવ્યો હતો. તાવની સાથે જ બંને બાળકોના શરીરમાં આંચકી આવવા લાગતા અને સ્થિતિ વધુ ગંભીર જણાતા તેમને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જેના પગલે તબીબોએ સાવચેતીના ભાગરૂપે લોહીના સેમ્પલ લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા. જે રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતામાં મોટો વધારો થયો છે. હાલમાં સિવિલના નિષ્ણાત ડોક્ટરોની ટીમ આ બંને માસૂમો પર ખાસ નજર રાખી સઘન સારવાર આપી રહી છે.

બે દિવસ પહેલા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા જે બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, તેમાંથી ત્રણ બાળકોના મોત થયા છે. જેમાં ગોધરાથી બે બાળકને સારવાર અર્થે દાખલ કરાયા હતા, જેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. આ જ રીતે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં રાજસ્થાનના એક બાળકને દાખલ કરવામાં આવ્યું હતું, આ બાળકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા બાદ તેનું પણ કમકમાટીભર્યું મોત થયું છે.

તબીબી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને વધુ અસર કરે છે અને તે સીધો બાળકની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે કે મગજ પર જ હુમલો કરે છે. આ રોગના મુખ્ય લક્ષણોમાં અચાનક ખૂબ જ તેજ તાવ આવવો, ઉલટી થવી, અસહ્ય માથાનો દુખાવો અને આંચકી આવવી વગેરેનો સમાવેશ થાય છે. ડોક્ટરોએ ખાસ તાકીદ કરી છે કે આ રોગમાં શરૂઆતનો 24 થી 48 કલાકનો સમય કિંમતી હોય છે, જેમાં સમયસરની યોગ્ય સારવાર જ બાળકનો જીવ બચાવી શકે છે.

આ વાયરસ મુખ્યત્વે સેન્ડફ્લાય નામની નાની માખી કરડવાથી ફેલાય છે. જે સામાન્ય રીતે કાચી માટી કે લીપણવાળા ઘરોમાં વધુ જોવા મળે છે. વાયરસ આગળ ન ફેલાય તે માટે ગાંધીનગર અને ખેડા જિલ્લાના આરોગ્ય તંત્રે કમર કસી છે. અસરગ્રસ્ત ગામો અને રહેણાંક વિસ્તારોમાં આ ઝીણી માખીનો નાશ કરવા માટે ખાસ જંતુનાશક દવાઓ અને મેલેથિયોન પાવડરનો મોટા પાયે છંટકાવ શરૂ કરી દેવાયો છે. આ સાથે જ આરોગ્ય વિભાગની અલગ-અલગ ટીમો દ્વારા આ ગામડાઓમાં ઘરે-ઘરે જઈને સઘન સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે.જેથી અન્ય કોઈ બાળકમાં આવા લક્ષણો હોય તો તેને તુરંત શોધીને સારવાર આપી શકાય.

આરોગ્ય તંત્રના જણાવ્યા અનુસાર, ચાંદીપુરા વાયરસ માટે કોઈ ચોક્કસ દવા કે રસી ઉપલબ્ધ નથી. બાળકને તાવ આવવો કે અન્ય લક્ષણો દેખાતા જ ડૉક્ટરો લક્ષણો આધારિત દવાઓ અને ઇન્જેક્શન આપીને સારવાર કરે છે. તેથી જો કોઈ પણ બાળકને અચાનક તીવ્ર તાવ આવે કે બેભાન જેવી સ્થિતિ જણાય, તો વાલીઓએ જરાય સમય બગાડ્યા વિના નજીકના સરકારી દવાખાના, PHC, CHC કે સબ સેન્ટર પર લઈ જવું અનિવાર્ય છે.