રિપોર્ટ@ગાંધીનગર: CM ભૂપેન્દ્ર પટેલે આવતીકાલે કેબિનેટ બેઠક કેમ બોલાવી?
રાજ્યના તત્કાલીન ગૃહમંત્રી અમિત શાહના રાજીનામા અને ગોધરાકાંડ વખતે પણ રવિવારે મળી હતી બેઠક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અધિકારીઓ દ્વ્રારા અવાર-નવાર કેટલીક બેઠકો બોલાવવામાં આવતી હોય છે. ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે આવતીકાલે, એટલે કે રવિવારે સાંજે કેબિનેટ બેઠક બોલાવતાં અનેક તર્ક-વિતર્ક સર્જાઈ રહ્યા છે. અનેક અફવા વચ્ચે કેબિનેટ બેઠકમાં એવો તો શું નિર્ણય લેવાશે એ અંગે આતુરતાપૂર્વક અધિકારીઓ અને મંત્રીઓ રાહ જોઈ રહ્યા છે. જોકે સવાલ એ છે કે આખરે બે દિવસ પહેલાં કેબિનેટ બેઠક યોજાવાની છે એવો મેસેજ મીડિયામાં વહેતા થયા એના પરથી જ લાગે છે કે સરકાર જ ઈચ્છે છે કે મીડિયામાં કેબિનેટ બેઠક અંગે ચર્ચા થાય.
રવિવારના રોજ બેઠક યોજવા પાછળ થોડા દિવસ પહેલાં પ્રધાનમંત્રીની ગુજરાત મુલાકાત બાદ ભૂપેન્દ્ર પટેલ અમેરિકા જતા હોવાની તેમજ ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ મંત્રીમંડળમાં વિસ્તરણ અંગેની એમ બે અફવા ચાલી રહી હતી. આ બંને સિવાય ત્રીજો તર્ક એ પણ લગાવાઈ રહ્યો છે કે આગામી સમયમાં મહારાષ્ટ્ર ઇલેક્શન હોવાથી ગુજરાત સરકારના મંત્રીમંડળના અનેક મંત્રી પ્રચાર માટે જવાના છે.
આ સિવાય એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2001માં ગુજરાતના સીએમ તરીકે સત્તા સંભાળી ત્યારે 7 ઓક્ટોબર હતી. આ સમયગાળાને 22 વર્ષ પૂરાં થયાં હોવાથી ગુજરાત સરકાર સફળતા સપ્તાહની ઉજવણી કરવા ઇચ્છતી હોવા અંગે કેબિનેટ બેઠકમાં નિર્ણય લઈને બાદમાં જાહેરાત કરી શકે છે.
આ ઉપરાંત એક વાત એવી પણ છે કે આગામી 15 દિવસ બાદ દિવાળીની શરૂઆત થઈ રહી છે, ત્યારે કર્મચારીઓને એડવાન્સમાં પગારની ચુકવણી કરવા તેમજ મોંઘવારી ભથ્થાની જાહેરાત અંગે નિર્ણય કરવા માટે કેબિનેટ બેઠક બોલાવી હોઈ શકે છે.
તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ રવિવારના દિવસે કેબિનેટ બેઠક બોલાવી હતી. આ બેઠક કરવા પાછળ ઉદ્દેશ હતો ગોધરાકાંડની ઘટના. વર્ષ 2002ના ફેબ્રુઆરી માસમાં અસામાજિક તત્ત્વોએ શુક્રવારે સાબરમતી એક્સપ્રેસનો ડબ્બો સળગાવ્યો હતો. એ સમયે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે રવિવારના રોજ કેબિનેટ બેઠક બોલાવવામાં આવી હતી.
બીજી વખત તત્કાલીન ગૃહમંત્રી અમિત શાહ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં સીટ સમક્ષ હાજર થયા હતા ત્યારે તેમણે ગૃહમંત્રીપદ પરથી રાજીનામું આપ્યું હતું. અમિત શાહને બદલે પ્રફુલ પટેલ ગૃહમંત્રી બન્યા હતા. આ સમયે પણ રવિવારે કેબિનેટ બેઠક યોજાઈ હતી.