રિપોર્ટ@ગાંધીનગર: કોસ્ટ ગાર્ડે અગમ્ય કારણોસર રાઈફલ વડે પોતાને ગોળી મારી, જાણો સમગ્ર ઘટના

જવાનને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાંથી ફરી એકવાર આત્મહત્યાની ઘટના સામે આવી છે.ગાંધીનગરના સેક્ટર-1માં આવેલા ગાયત્રી મંદિર પાસે સ્થિત ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની ઓફિસ કેમ્પસમાં રવિવારે સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ફરજ પર તહેનાત 43 વર્ષીય કોસ્ટ ગાર્ડે અગમ્ય કારણોસર રાઈફલ વડે પોતાને ગોળી મારી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ગોળીબારનો અવાજ સાંભળીને આસપાસના સ્ટાફ અને સુરક્ષાકર્મીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. લોહીલુહાણ હાલતમાં જવાનને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર આત્મહત્યાનો પ્રયાસ કરનાર જવાનની ઓળખ 43 વર્ષીય હસમુખભાઈ ચતુરભાઈ પ્રજાપતિ તરીકે થઈ છે, જેઓ ગાંધીનગર નજીક આવેલા લેકાવાડા ગામના વતની છે. હસમુખભાઈ સેક્ટર-1 ગાયત્રી મંદિર પાસે આવેલી કોસ્ટ ગાર્ડની ઓફિસ ખાતે સુરક્ષા વ્યવસ્થામાં તહેનાત હતા. રવિવારે સવારે તેઓ પોતાની ફરજ પર હાજર હતા, તે દરમિયાન આ ઘટના ઘટી છે.

કોસ્ટ ગાર્ડ જેવી સંવેદનશીલ સરકારી ઓફિસના કમ્પાઉન્ડમાં જવાન દ્વારા આ પ્રકારે ફાયરિંગ કરી આત્મહત્યાના પ્રયાસની ઘટના વાયુવેગે પ્રસરતા પોલીસ તંત્રમાં પણ હડકંપ મચી ગયો હતો. ફાયરિંગની જાણ થતા જ સેક્ટરની સ્થાનિક પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. એફએસએલની ટીમને પણ ઘટનાસ્થળે બોલાવીને જરૂરી પુરાવા અને લોહીના નમૂના એકત્ર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે જવાન હસમુખભાઈના પરિવારજનોને આ બાબતની જાણ કરી દીધી છે. પોલીસ હાલમાં જવાનના સાથી કર્મચારીઓ અને પરિવારના સભ્યોની પૂછપરછ કરી રહી છે જેથી આ આત્મઘાતી પગલાં પાછળનું સાચું કારણ જાણી શકાય.