રિપોર્ટ@ગાંધીનગર: પિતાએ નર્મદા કેનાલમાં 2 દીકરી સાથે આપઘાત કર્યો, કયા કારણે આવું પગલું ભર્યું ?

સાંતેજ પોલીસે બંને બાળકીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.
 
રિપોર્ટ@ગાંધીનગર: પિતાએ નર્મદા કેનાલમાં 2 દીકરી સાથે આપઘાત કર્યો, કયા કારણે આવું પગલું ભર્યું ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગાંધીનગર જિલ્લામાં બોરીસણા ગામમાં પિતાએ નર્મદા કેનાલમાં 2 દીકરી સાથે આપઘાત કર્યો. બોરીસણા ગામના ધીરજભાઈ ભલાભાઈ રબારી ગઈકાલે સવારે પોતાની 2 દીકરીઓના આધારકાર્ડ કઢાવવાનું કહીને ઘરેથી ગાડી લઈને નીકળ્યા હતા. જેઓ મોડી સાંજ સુધી ઘરે પરત નહીં ફરતા પરિવારજનોએ ગઈકાલે સાંતેજ પોલીસ સ્ટેશનમાં બે દીકરીઓ સાથે ધીરજભાઈ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસની અલગ અલગ ટીમોએ ધીરજભાઈની તપાસ હાથ ધરી હતી.

આજે સવારે બંને દીકરીઓના મૃતદેહ કલોલ તાલુકા પોલીસ મથકની હદ વિસ્તારની મુખ્ય કેનાલમાંથી મળી આવતા રબારી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલમાં સાંતેજ પોલીસે બંને બાળકીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.

પ્રાથમિક વિગતો મુજબ ધીરજભાઈ સુખી સંપન્ન પરિવાર ધરાવે છે. જેઓને કલોલના વડસર ઉપરાંત અન્ય બે સ્થળોએ પેટ્રોલ પંપ પણ હોવાનું સામે આવ્યું છે. આ અંગે સાંતેજ પોલીસ મથકના પીઆઈ એસ. આર. મૂછાળએ જણાવ્યું કે ધીરજ રબારી કલોલ શહેર પોલીસ મથકની હદમાં આવેલા બોરીસણા ગામમાં રહે છે. જેમના પરિવારમાં પત્ની માતા-પિતા અને બે નાની દીકરીઓ છે. ગઈકાલે સવારે ધીરજ તેમની બંને દીકરીઓને આધાકાર્ડ કઢાવવાનું કહીને ઘરેથી ગાડી લઈને નીકળ્યા હતા.

મોડે સુધી ઘરે પરત ન ફરતા ધીરજે પોતાની ગાડીનું લોકેશન અને મોબાઈલનો પાસવર્ડ પરિવારને મોકલી આપ્યો હતો. જેની તપાસમાં ધીરજની ગાડી શેરીસા નર્મદા કેનાલથી મળી આવી હતી. જેના પગલે તરવૈયા અને ફાયર બ્રિગેડ દ્વારા કેનાલમાં શોધખોળ શરૂ કરાઈ હતી, પરંતુ ત્રણેયની ક્યાંય ભાળ મળી નહોતી.

આજે બંને દીકરીઓના મૃતદેહ કલોલ તાલુકા પોલીસ મથકના પિયજ ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મળી આવી છે. જ્યારે ધીરજની હજી સુધી કોઈ ભાળ મળી નથી. ધીરજને વડસર ઉપરાંત અન્ય બે જગ્યાએ પેટ્રોલ પંપ હોવાનું પણ જાણવા મળ્યું છે.