રીપોર્ટ@ગાંધીનગર: ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતી મામલે રજૂઆત કરવા આવેલા ઉમેદવારોની અટકાયત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતી મામલે રજૂઆત કરવા આવેલા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી. કેટલાક સમય બાદ પણ ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થતાં આજે ઉમેદવારો રજૂઆત માટે ગાંધીનગર પહોંચ્યા છે. પથિકાશ્રમ પાસે એકઠા થયેલા ઉમેદવારો તેનો આગળનો કાર્યક્રમ આપે તે પહેલાં જ ઉપસ્થિત પોલીસ જવાનોએ ઉમેદવારોને ડિટેઈન કર્યા હતા. છેલ્લાં બે-અઢી વર્ષથી સરકારી નોકરીની રાહમાં રહેલા ઉમેદવારોએ આજે બે હાથ જોડી પોતાની માગણી સ્વીકારવા સરકારને અપીલ કરી હતી. વિભાગમાં મહેકમ મુજબ જે જગ્યા ખાલી પડી છે તે જગ્યાઓને ચાલુ ભરતીમાં જ સમાવેશ કરવાની માગ કરી છે.
ગુજરાતમાં વનવિભાગની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ 8 થી 27 ફેબ્રુઆરી 2024 સુધીમાં પરીક્ષા લેવામાં આવી હતી. નોંધનીય છે કે 823 પદ માટે 8 લાખ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. 4 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેનું પરિણામ જાહેર થતાં જ ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો છે. CBRT નોર્મલાઈઝેશન મેથડના કારણે અન્યાય થયો હોવાનો ઉમેદવારોનો આક્ષેપ છે. ત્યારે આજે ફરીવાર પડતર માંગણીને લઈને ઉમેદવારો ગાંધીનગર આવી પહોંચ્યા હતા. જ્યાં પોલીસે 100 ઉમેદવારોની અટકાયત કરી હતી.
ગાંધીનગરમાં આંદોલન કરવા આવેલા ઉમેદવારોએ કહ્યું હતું કે, મહેકમ મુજબ 500થી 700 જગ્યાઓ ખાલી પડી છે. તો સરકારને વિનંતી છે કે, ચાલુ ભરતીમાં જ તે જગ્યા ઉમેરી દેવામાં આવે. જેથી જે ઉમેદવારોને અન્યાય થયો છે તેને લાભ મળે.
રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી પોતાની રજૂઆત કરવા માટે આવેલા 100 જેટલા ઉમેદવારોને પોલીસ દ્વારા ડિટેઈન કરી પોલીસવાહનમાં બેસાડી લઈ જવામાં આવ્યા હતા. પોલીસે ડિટેઈન કરવાનો પ્રયાસ કરતા પોલીસકર્મીઓ અને ઉમેદવારો વચ્ચે ઘર્ષણનાં દૃશ્યો સર્જાયાં હતાં. પોલીસ ઉમેદવારોને ટીંગાટોળી કરીને લઈ ગઈ હતી.
ગાંધીનગરમાં નોકરીની માગણી સાથે આવેલા શબાના ચોટલિયા નામની ઉમેદવારે રોષ ઠાલવતાં કહ્યું હતું કે, ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતીને અઢીથી ત્રણ વર્ષ થઈ ગયાં છતાં ભરતી સંપૂર્ણ પારદર્શકતા સાથે થઈ નથી. ગોપનીયતાના નામે અમારા રિઝલ્ટમાં માર્ક જાહેર કરવામાં આવતા નથી. તો અન્ય પરીક્ષાઓના માર્ક જાહેર કેમ કરાય છે? CBRT પદ્ધતિના કારણે ખરાબ પરિણામ આવ્યું છે. અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે, અમારી માગણી સ્વીકારો, અમારા પર અત્યાચાર કરવાનું બંધ કરો.
છેલ્લા ઘણા સમયથી ગૌણસેવા દ્વારા ફોરેસ્ટ, CCE, સબ ઓડિટર, સિનિયર સર્વેયર, Planning assistant, Work assistant મદદનીશ ઈજનેર સિવિલ, ગ્રાફિક ડિઝાઈનર સહિત અલગ અલગ સંવર્ગ અને કેડરની ભરતીઓ CBRT( કોમ્પ્યુટર બેઝ્ડ રિક્રુટમેન્ટ ટેસ્ટ) પદ્ધતિથી લેવાઈ છે. ભૂતકાળમાં આ પદ્ધતિને લઈને પણ ઉમેદવારોએ નારાજગી વ્યક્ત કરી હતી અને આ પદ્ધતિ રદ કરવાની માગ કરી હતી. જે તે સમયે ઉમેદવારોએ કહ્યું હતું કે, આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલી વાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલાં કહેવામાં આવતું હતું કે, આ CBRT દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય, પારદર્શી, પેપરરહિત, ભૂલરહિત છે, પરંતુ છેલ્લે લેવાયેલી તમામ પરીક્ષાઓમાં તે ખરી ઊતરી નથી તેને કારણે અનેક છબરડા સામે આવ્યા છે. સૌથી મોટું નકારાત્મક પાસું એ છે કે ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ ગુજરાતી ભાષા દ્વારા લેવામાં આવે છે.