રિપોર્ટ@ગાંધીનગર: પ્રેમિકાના પિતાએ દરવાજો બંધ કરી દેતા પ્રેમીએ ગળાફાંસો ખાધો, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પ્રેમિકાના પિતાએ દરવાજો બંધ કરી દેતા પ્રેમીએ ગળાફાંસો ખાધો.ગાંધીનગરમાં સગીર પ્રેમી પંખીડાની કુમળી વયના પાંગરેલા પ્રેમ પ્રકરણનો કરુણ અંત આવ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 15 વર્ષની પ્રેમિકા ઘરે એકલી હોવાનું જાણીને 17 વર્ષનો પ્રેમી ઘરમાં ઘૂસ્યો હતો. દરમ્યાન સગીરાના પિતા ઘરે પહોચી જતાં બન્નેનો ભાંડો ફૂટી ગયા હતો. જેના પગલે દીકરીને બહાર કાઢી પિતાએ રૂમમાં સગીરને પુરી દઈ પરિવારને બોલાવ્યા હતાં. જોકે ત્યાં સુધીમાં ડરના માર્યા સગીરે પંખે સાડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. સગીરાની ધો.10ની અને મૃતક સગીરની ધો.12ની બોર્ડ પરીક્ષા ચાલુ છે. સમગ્ર ઘટના મામલે ચિલોડા પોલીસ મથકના ચોપડે નોંધાઈ છે.
કહેવાય છે કે, પ્રેમ આંધળો હોય છે પણ જ્યારે કુમળી વયનો પ્રેમ સમજ્યા વિનાની આંધળી દોટ મુકે છે ત્યારે તેનું પરિણામ ગંભીર આવતું હોય છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો પોલીસ ચોપડે અકસ્માતે મોતના ગુના હેઠળ નોંધવામાં આવ્યો છે. ચિલોડા પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં બે પરિવારો સામ સામે રહે છે. જેમના સગીર દીકરો દીકરી એકજ સ્કૂલમાં અભ્યાસ કરતા હોવાથી સ્વભાવિક રીતે સાથે સ્કૂલે આવતા જતા હતાં.
જેમાં એક પરિવારની 15 વર્ષની દીકરી ધોરણ 10 અને બીજા પરિવારનો 17 વર્ષના દિકરાની ધોરણ 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. આ દરમ્યાન જ સગીરે સગીરાના ઘરે રૂમમાં પંખે ગળાફાંસો ખાઈ લેતા ચકચાર મચી ગઈ છે. વાત જાણે એમ છેકે, પાડોશી હોવા ઉપરાંત સગીર સગીરા સ્કૂલમાં સાથે અભ્યાસ કરતા હોવાથી બંને વચ્ચે કુમળી વયનો પ્રેમ કેટલાય સમયથી પાંગર્યો હતો.
આ વાતથી બંને પરિવારો સાવ અજાણ હતાં. પરંતુ એક દિવસ સગીર પ્રેમ પ્રકરણનો ભાંડો ફૂટી ગયો હતો. જેથી દીકરીના પિતાએ સામે પક્ષે જાણ કરી હતી. એ વખતે સગીર પ્રેમીના ફુવાએ આ બાબતે ફરીવાર ફરિયાદ નહીં આવે તેવી બાહેધરી આપી હતી. આ તરફ સગીર દીકરી પર પણ પરિવારે પાબંધીઓ લાદી દીધી હતી. એટલે બંનેને છેલ્લા કેટલાય સમયથી એકલતામાં મળવું મુશ્કેલ બની ગયું હતું.
એવામાં સગીરાની માતાને બીમારીના લીધે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ગઈકાલે પત્નીની સરભરા માટે પતિ હોસ્પિટલે ગયા હતાં. એ સમયે પ્રેમિકા એકલી હોવાનું જાણીને પ્રેમી ઘરમાં ઘૂસી ગયો હતો. બંનેને એમ હતું કે લાંબો સમય એકલા વિતાવવા મળશે.
પરંતુ થોડી વારમાં બહારથી દરવાજો ખટકાવામાં આવતા પ્રેમી પંખીડા ગભરાઈ ગયા હતા. જેના પગલે પ્રેમી રૂમમાં સંતાઈ જતા સગીરાએ દરવાજો ખોલતા જ સામે પિતાને જોઈને અંદરથી ફફડી ગઈ હતી.
બાદમાં પિતા ઘરમાં પ્રવેશતા જ રૂમમાંથી સગીર મળી આવ્યો હતો. આ વાતથી તેમણે બન્નેને ઠપકો પણ આપ્યો હતો. બાદમાં તેમણે સમગ્ર ઘટના સગીરને ફુવાને ફોન કરીને જાણ કરી હતી. જેથી ફુવાએ બહારથી દરવાજો બંધ કરી દેવાનું જણાવી પોતે ઘરે આવી રહ્યાં હોવાનું જણાવ્યું હતું.
જેના પગલે રૂમનો દરવાજો બંધ કરી દીકરીને લઈને પિતા ઘરની બહાર નીકળી ગયા હતાં. જેની થોડીવાર પછી સગીરના ફુવા સોસાયટીમાં આવી પહોંચ્યા હતા. બાદમાં બંને જણા ઘરનો દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યા હતા. જોકે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. 17 વર્ષના સગીર પ્રેમીએ ડરના માર્યા પંખાએ સાડી બાંધીને ગળે ફાંસો ખાય જીવન ટૂંકાવી લીધું હતું.
આ દ્રશ્ય જોઈને પરિવારના બંને મોભીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ બનાવની જાણ થતા ચિલોડા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જેમાં હાલમાં બંને પરિજનોના નિવેદનો પણ નોંધવામાં આવ્યા હતા. જેના પગલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો હાલના તબક્કે નોંધ્યો છે.

