રિપોર્ટ@ગાંધીનગર: નબીરાઓએ રીલ્સ બનાવવા 10થી વધુ લકઝરી કાર દોડાવી
પોલીસે નબીરાઓની શોધખોળ શરૂ કરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
એવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ગાંધીનગરમાં કરોડોના ખર્ચે બનેલા ભાઈજીપુરાથી ગિફ્ટ સિટી સુધીના આઈકોનિક રોડ પર 10થી વધુ લક્ઝરી કાર્સનો કાફલો દોડાવી નબીરાઓએ 'અમે કાયર નથી, ફાયર છીએ...'સોંગ પર રીલ્સ બનાવી હતી, જે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે, સાથે 190 કિમીની સ્પીડે ચલાવાતી એક કારનો વીડિયો પણ વાઇરલ થયો છે. ગાંધીનનગર જેવા શહેરમાં ધોળે દિવસે બનાવેલી રીલ્સ વાઈરલ થતાં પોલીસે હવે રીલ્સમાં દેખાતા નબીરાઓની ઓળખ મેળવી શોધખોળ શરૂ કરી છે.
ઇસ્કોનબ્રિજ પર પૂરઝડપે કાર દોડાવી 9 લોકોને કચડી મારનારા આરોપી તથ્ય પટેલના કાંડને આજદિન સુધી ગુજરાતની જનતા ભૂલી શકી નથી. ઓવર સ્પીડમાં કાર હંકારી નવ લોકોને મોતના મુખમાં ધકેલી દેનાર તથ્ય પટેલ સામેના રોષની જ્વાળાઓ હજી પણ લોકોમાં શાંત થઈ નથી. એવામાં રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પૈસાના વૈભવના ઉન્માદમાં નબીરાઓનો ઓવર સ્પીડ ગાડીઓ હંકારીને બનાવેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ગાંધીનગરની આગવી ઓળખ સમાન ભાઈજીપુરાથી ગિફ્ટ સિટી બ્રિજ સુધી આશરે 32 કરોડના ખર્ચે આઈકોનિક રોડ બનાવવામાં આવ્યો છે. જોકે આ રોડ નબીરાઓ માટે રેસિંગ ટ્રેકનો મોકળો માર્ગ બની ગયો હોવાનાં દૃશ્યો છાશવારે જોવા મળતાં રહે છે. અહીં અવારનવારી બાઈકર્સ ગેંગ મોંઘાદાટ ઘોંઘાટ કરતી મોટરસાઇકલો લઈને રેસિંગ કરતા રહેતા હોવાની રાવ ઊઠી છે.
ગાંધીનગર રાજ્યનું પાટનગર હોઈ, અહીં મંત્રીઓનો કાફલો નીકળે ત્યારે સામાન્ય રીતે એકથી વધુ કાર્સનો કાફલો રસ્તાઓ પર જોવા મળતો હોય છે, પરંતુ હાલ સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થઈ રહ્યા છે એમાં નબીરાઓ પણ 10થી વધુ લક્ઝુરિયર્સ કાર્સ સાથે એકસાથે રસ્તા પર નીકળ્યા હતા, જે દૃશ્યો જોઈ અન્ય વાહનચાલકો પણ આશ્ચર્યમાં અને મુશ્કેલીમાં મુકાયા હતા.
ગાંધીનગરમાં હાલ સોશિયલ મીડિયામાં જે બે વીડિયો વાઈરલ થઈ રહ્યા છે એમાંના એક વીડિયોમાં એક કાર 190 કિમીની સ્પીડે દોડતી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જો આટલી સ્પીડે કાર હંકારી કોઈ અકસ્માત સર્જાય તો ખુદ કારચાલક અને સામેની વ્યક્તિને પણ નુકસાન પહોંચવાની શક્યતા હતી.
આ અંગે ઈન્ફોસિટી પોલીસ મથકના પી.આઈ. પી.આર.ચૌધરીએ જણાવ્યું હતું કે ગિફ્ટ સિટી રોડ પરનો વીડિયો સામે આવ્યો છે. અમારી ટીમ વીડિયોમાં દેખાતા ઈસમોને આઈડેન્ટિફાઈ કરી રહી છે. બાદમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.