રિપોર્ટ@ગાંધીનગર: સેક્ટર-3ડીમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કર્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગાંધીનગરમાંથી આત્મહત્યાની ઘટના સામે આવી છે. ગાંધીનગરના સેક્ટર-3ડી વિસ્તારમાં શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર્સમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે પોતાના જ ઘરે પંખા સાથે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ મૃતક મહિલા કોન્સ્ટેબલ રાત્રિની ડ્યુટી પૂરી કર્યા બાદ પોતાના ઘરે પરત ફર્યા હતા અને આત્યંતિક પગલું ભરી લીધું હતું. હાલમાં આ મામલે સેક્ટર 7 પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, સેક્ટર-3ડી ખાતે રહેતાં જ્હાનવીબેન અનિલભાઈ ડાભી અમદાવાદ શહેરના શાહીબાગ પોલીસ હેડ ક્વાટર્સમાં લોકરક્ષક કોન્સ્ટેબલ તરીકે પોતાની ફરજ નિભાવી રહ્યા હતા. ગઈકાલે રાત્રે તેઓ પોતાની નાઈટ ડ્યુટી પૂર્ણ કરીને ગાંધીનગર સ્થિત પોતાના ઘરે પાછા આવ્યા હતા.
આજે મોડી સાંજ સુધી તેઓ રૂમમાંથી બહાર ન આવતા પરિવારજનોને શંકા ગઈ હતી.પરિવારજનોએ રૂમનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ અંદરથી કોઈ જ પ્રતિસાદ સાંપડ્યો ન હતો. આથી આસપાસના લોકોની મદદથી અંદર જઈને તપાસ કરતાં જ્હાનવીબેન રૂમના પંખા સાથે દુપટ્ટા વડે ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. પોલીસે મૃતદેહને નીચે ઉતારીને પંચનામાની કાર્યવાહી હાથ ધરી છે તેમજ વધુ તપાસ અર્થે તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.
પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન એવું પણ બહાર આવ્યું છે કે 28 વર્ષીય જ્હાનવીબેનના અગાઉ ડિવોર્સ થઈ ચૂક્યા છે. જોકે આટલી નાની વયે અને પોલીસ વિભાગ જેવી ગંભીર નોકરી સાથે જોડાયેલા મહિલા કર્મચારીએ આ પ્રકારનું અંતિમ પગલું કેમ ભર્યું તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે.
હાલ તો સેક્ટર-7 પોલીસે અકસ્માતે મોતના ગુનાની નોંધ કરીને ઊંડાણપૂર્વકની તપાસનો દોર શરૂ કર્યો છે. પોલીસ દ્વારા મૃતકના પરિવારજનો, મિત્રો અને સહકર્મીઓની પૂછપરછ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે જેથી આપઘાત પાછળનું સાચું કારણ બહાર આવી શકે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ અને પોલીસની વિગતવાર તપાસ પૂર્ણ થયા બાદ જ આ અંગે વાસ્તવિક કારણો પરથી પડદો ઉંચકાશે.

