રિપોર્ટ@ગાંધીનગર: નવરાત્રિ પર્વમાં ખેલૈયાઓને આખી રાત ગરબા રમવાની છૂટછાટ, કેટલીક શરતો લાગુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બે દિવસ પછી નવરાત્રિનો પવિત્ર તહેવાર શરૂ થવા જય રહ્યો છે. નવ દિવસ સુધી આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. નવરાત્રિ પર્વમાં ગયા વર્ષોની જેમ ગુજરાત સરકાર આખી રાત ગરબા રમી શકાશે તેવો નિર્ણય લેવા જઇ રહી છે. શનિવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ ગૃહ તથા પોલીસ વિભાગના અધિકારીઓની હાજરીમાં મળનારી બેઠકમાં આ નિર્ણય લેવાશે અને તેની જાહેરાત કરાશે. સવારો સવાર ગરબા રમી શકાશે તે મુજબની જાહેરાત અમુક નિયંત્રણોની શરતોને આધીન લેવાશે તે બાબતનું ગુજરાત સરકારના સૂત્રોએ સમર્થન આપ્યું હતું. જો કે આ માટે કેટલીક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર તૈયાર કરાશે જેનું ગરબાના ખાનગી અને જાહેર આયોજકોએ ધ્યાન રાખવું પડશે, જેમાં ધ્વનિ પ્રદુષણનો મુદ્દો પણ ધ્યાને લેવાશે.
ગુજરાત સરકારના સૂત્રોએ વધુમાં જણાવ્યું કે, આસપાસ રહેણાંક વિસ્તાર કે હોસ્પિટલ ન હોય અને કોઇને ખલેલ ન પહોંચે તેમ હોય તો ત્યાં ખાનગી આયોજકો પણ સવારો સવાર ગરબાનું આયોજન કરી શકશે. અલબત્ત લાઉડ સ્પીકર ચલાવાને લઇને તેમાં કેટલીક શરતો હશે. જેમાં રાત્રે બાર વાગ્યા બાદ અમુક માત્રાથી વધુ ડેસિબલમાં અવાજ ન કરે તેવા સ્પીકર્સ સાથે ગરબા યોજી શકાશે.
રહેણાંક વિસ્તારમાં પણ ગરબાના આયોજકોએ ધ્વનિની મર્યાદાને ધ્યાને રાખવાની રહેશે. આ ઉપરાંત જો કોઇ વ્યક્તિને રાત્રે વધુ અવાજને કારણે ખલેલ પહોંચે તો તેની લાગણનીને માન આપીને રાત્રે 12 વાગ્યા બાદ સ્પીકર્સના ઉપયોગ સિવાય ગરબા રમી શકાશે. ગરબા આયોજકોએ આ સંજોગોમાં દરેક વ્યક્તિની સલામતીનું ધ્યાન રાખવાનું રહેશે અને આયોજનના સ્થળથી લઇને મુખ્ય રસ્તા સુધી પૂરતી રોશનીની સગવડ પણ રાખવાની રહેશે.
નવરાત્રિમાં ગરબા રમતા ખેલૈયાઓને નાસ્તો તેમજ અન્ય ખાણીપીણીની ચીજો સરળતાથી મળી રહે તે માટે શહેરોમાં આવાં એકમોને રાત્રિ દરમિયાન છૂટ મળશે. અલબત્ત તેઓએ પોતાના એકમની આસપાસ વાહનોના પાર્કિંગ અને ટોળાના જમાવડાને કારણે ટ્રાફિક જામ કે રોડ બ્લોકની સ્થિતિ ન સર્જાય તેનું ધ્યાન જાતે જ રાખવાનું રહેશે. જો આમાં કોઇ ક્ષતિ જણાશે તો સ્થાનિક પોલીસ ત્વરિત પગલાં લઇને આવાં ખાણીપીણીના એકમોને ફરજિયાત બંધ કરાવશે.
દરેક શહેરના પોલીસ કમિશનર તેમજ જિલ્લા પોલીસ વડાને સરકાર તરફથી આદેશ જારી કરાશે. જેમાં તેમના વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ થકી નાગરિકોની સુરક્ષા તેમજ ટ્રાફિકનું ધ્યાન રાખવાનું રહેશે. રહેણાંક વિસ્તારોમાં ગરબા રમતા નાગરિકોને બિનજરૂરી કનડગત ન પહોંચાડવા અંગે પણ કડક સૂચના આપવામાં આવશે.