રિપોર્ટ@ગાંધીનગર: રિક્ષાચાલકની લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગાંધીનગરમાથી મર્ડરની ઘટના સામે આવી છે. રિક્ષાચાલકની લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ગાંધીનગર નજીક આવેલા ઐતિહાસિક ઇન્દ્રોડા ગામના કિલ્લા પાસેથી આજે સવારે એક મર્ડરની ઘટના સામે આવી છે, જેમાં 42 વર્ષીય અરજણ ઠાકોર નામના રિક્ષાચાલકની લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ અંગે ઇન્ફોસિટી પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ખોપરી ફાટી જાય ત્યાં સુધી ફટકા મારી રિક્ષાચાલકની હત્યા કરાઈ છે.
મૃતકની ઓળખ ઇન્દ્રોડા ગામના રહેવાસી અરજણ ઠાકોર તરીકે થઈ છે. સ્થાનિકો અને પરિવારજનોએ આજે સવારે કિલ્લાના પૌરાણિક વિસ્તાર નજીક શોધખોળ કરતાં તેમની લાશ મળી હતી. અરજણ ઠાકોર ગઈકાલે સવારે રોજની જેમ પોતાની રિક્ષા લઈને ધંધા માટે ઘરેથી નીકળ્યા હતા, પરંતુ મોડીરાત વીતી જવા છતાં તેઓ પરત ફર્યા નહોતા, જેથી પરિવારે રાત્રિ દરમિયાન જ તેમની શોધખોળ શરૂ કરી દીધી હતી.
પરિવારને શંકા હતી કે તેમને દારૂ પીવાની ટેવ હતી અને કિલ્લાના વિસ્તારમાં તેમનો અવારનવાર સંપર્ક રહેતો હતો. આ શંકાના આધારે જ પરિવારે સવારે ઇન્દ્રોડા કિલ્લા નજીકના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી, જ્યાંથી તેમની લાશ મળી હતી. મૃતકના પરિવારમાં પત્ની અને કુલ ચાર સંતાન છે, જે પૈકી બે દીકરીનાં લગ્ન થઈ ચૂક્યાં છે, જ્યારે અન્ય બે બાળકો હજુ અભ્યાસ કરી રહ્યાં છે. પરિવારના મોભીની અચાનક લાશ મળતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
ઘટનાની જાણ થતાં જ ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધીને લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ શરૂ કરી છે.
પ્રાથમિક દૃષ્ટિએ જોતાં અરજણ ઠાકોરની હત્યા ક્રૂરતાપૂર્વક કરવામાં આવી હોવાનું જણાય છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતકના માથાના ભાગે ધોકા જેવા કોઈ હથિયારથી ગંભીર હુમલો કરવામાં આવ્યો હોવાનાં નિશાન છે, જેના આધારે હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે.
પોલીસ હાલમાં જુદાં જુદાં પાસાં પર તપાસ કરી રહી છે, જેમાં રિક્ષાચાલક હોવાથી લૂંટના ઇરાદે હત્યા કરાઈ છે કે કેમ? દારૂ પીવાની ટેવને કારણે કે અન્ય કોઈ અંગત દુશ્મનીને કારણે આ ઘટના બની છે? છેલ્લે તેમને કયા પેસેન્જરે લીધા હતા અને તેમની સાથે કોઈ ઝઘડો થયો હતો કે કેમ? આમ, સમગ્ર મામલે પોલીસ મૃતકના મોબાઈલ ડેટા અને આસપાસના CCTV ફૂટેજની મદદથી હત્યારા સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે.
આ અંગે ઇન્ફોસિટી પીઆઇ વી.આર.ખેરે જણાવ્યું હતું કે મૃતક અરજણ મોહનજી ઠાકોર દારૂ પીવાની ટેવવાળો હોવાનું જાણવા મળ્યું છે. અત્રેનો વિસ્તાર અવાવરૂ હોવાથી મૃતક અહીં મિત્રો સાથે આવ્યો હોવો જોઈએ. ધોકા જેવા હથિયાર વડે માથાના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંકીને ખોપરી ફાટી જાય ત્યાં સુધી ફટકા મારવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ચોક્ક્સ કેટલા ઘા મારવામાં આવ્યા એ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જાણવા મળશે .હાલમાં તેના મિત્રવર્તુળ સહિતના લોકોની પૂછપરછ કરવાની તજવીજ શરૂ કરાઈ છે.